ગુજરાત સરકાર દ્વારા સાવરકુંડલા ડેપોને ફાળવાયેલી નવી આધુનિક બસ હાલમાં સાવરકુંડલા-કૃષ્ણનગર વાયા લીલીયા, દામનગર, ઢસા, ગઢડા થઈને બોટાદ રૂટ પર ચાલે છે, જે ગ્રામ્ય પ્રજા માટે ખૂબ ઉપયોગી બની છે. જોકે, દામનગર અને લીલીયા વિસ્તારના અનેક દર્દીઓ સારવાર માટે ટીંબી ગામની નિર્દોષાનંદ હોસ્પિટલે જાય છે. વળી, આ વિસ્તારમાંથી ઉમરાળા કે વલભીપુર જવા માટે કોઈ સીધી બસ સુવિધા ઉપલબ્ધ નથી. તેથી, આ બસને દામનગરથી ટૂંકા માર્ગે લીમડા અને રંઘોળા ચોકડી થઈને ટીંબી, ઉમરાળા તથા વલભીપુર તરફ ચલાવવામાં આવે તો મુસાફરોનો વધારાનો ખર્ચ બચશે અને એસ.ટી. તંત્રની આવક પણ વધશે. અમરેલી વિભાગીય નિયામક આ બાબતે યોગ્ય નિર્ણય લે તેવી લોકલાગણી છે.