નાયબ મુખ્યમંત્રીના આદેશ પછી સુરત પોલીસ એક્શન મોડમાં જાવા મળી રહી છે. ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સુરત પોલીસે એક જ દિવસમાં ઓનલાઇન ઠગાઇના ૪૦ કેસ નોંધ્યા છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં સૌથી વધુ ૧૩ ફરિયાદ નોંધાઇ છે. ૧ કરોડ ૫૨ લાખના સૌથી મોટા ફ્રોડ કેસની ફરિયાદ નોંધાઇ છે. આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કને તોડવા સ્પેશિયલ ટીમ કામે લાગી છે.
નોધનીય છે કે, તાજેતરમાં રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા અને સાયબર ક્રિમિનલ્સની કમર તોડી નાંખવાના ઉદ્દેશ્ય સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં “ઓપરેશન મ્યુલ હંટ ૨.૦” અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જીકલ સ્ટ્રાઈક કરવા કડક આદેશ આપવામાં આવ્યા હતા.
રાજ્યના પોલીસ વડા ડા. કે.એલ.એન.રાવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં જાડાયા હતા. તમામ શહેરના પોલીસ કમિશનર તેમજ તમામ જિલ્લાના પોલીસ વડાઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જાડાયા હતા.
ગુજરાતના નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર ગુનેગારોના હાથમાં ન જાય અને સાયબર ક્રાઇમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા મળે તે હેતુથી રાજ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરીને નિર્ણાયક કામગીરી કરવામાં આવી છે. આ વ્યાપક કામગીરીના ભાગરૂપે મુખ્યમંત્રીના દિશાનિદર્શન અનુસાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક વિશેષ ઓપરેશન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ ૨૨૮૯ કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
મ્યૂલ એકાઉન્ટ એવા બેંક એકાઉન્ટ છે જેનો ઉપયોગ સાયબર ગુનેગારો છેતરપિંડીથી મેળવેલા નાણાં મેળવવા, ટ્રાન્સફર કરવા અને લાન્ડરિંગ કરવા માટે કરે છે. જે વ્યકતી આ એકાઉન્ટ ધરાવે છે તેને “મની મ્યૂલ” તરીકે ઓળખવામાં આવે છે. આ ખાતાઓની મદદથી સાયબર ગુનેગારો એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી દે છે. ગુજરાત પોલીસે આવા મ્યૂલ અકાઉન્ટની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવા માટે જ આ ઓપરેશન ચલાવ્યું છે. મ્યૂલ અકાઉન્ટ જાણીજાઈને અથવા અજાણતા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે.









































