અમદાવાદના ચર્ચિત નહેરુનગર ફાયરિંગ કેસ અને કરોડો રૂપિયાના જમીન કૌભાંડ મામલે હવે કાયદાકીય કાર્યવાહી વધુ તેજ બની રહી છે. પૂર્વ નાયબ પોલીસ અધિક્ષક અશોકસિંહના પુત્ર સિદ્ધાર્થ અને પુત્રી ખ્યાતિ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી સામે પોલીસે કોર્ટમાં સખત વિરોધ નોંધાવ્યો છે.
તપાસનીશ પોલીસ એજન્સીએ કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરીને જણાવ્યું કે આ સમગ્ર જમીન કૌભાંડ અત્યંત ગંભીર પ્રકારનો ગુનો છે અને આરોપીઓએ પોતાના પ્રભાવ તથા હોદ્દાનો દુરુપયોગ કરીને કાયદાને અવગણી છેતરપિંડી આચરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે કોર્ટમાં એવી પણ રજૂઆત કરી કે જા આરોપીઓને આ તબક્કે જામીન આપવામાં આવશે તો તેઓ પુરાવાઓ સાથે ચેડાં કરી શકે છે તેમજ મહત્વના સાક્ષીઓને પ્રભાવિત અથવા ધમકી આપી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં.આ કેસને વધુ મજબૂત બનાવવા માટે તપાસ એજન્સીએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૮૩ હેઠળ મુખ્ય સાક્ષીઓના નિવેદનો મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. કોર્ટ સમક્ષ નોંધાયેલા આ નિવેદનો કેસમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.
તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ કેસમાં હજુ પણ અનેક મહત્વની કડીઓની તપાસ ચાલી રહી છે અને વધુ પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે. પોલીસનું માનવું છે કે હાઈ-પ્રોફાઈલ અને ગંભીર સ્વરૂપ ધરાવતા આવા કેસમાં જામીન આપવાથી તપાસ પ્રક્રિયા પર સીધી અસર પડી શકે છે.હાલ સમગ્ર મામલે કોર્ટ આગામી દિવસોમાં પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. આ કેસને લઈને શહેરમાં ફરી ચર્ચાઓ તેજ બની છે.