રાજ્ય કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અને સરકારની ભાવિ યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે જ રાજ્યમાં વાયર-ફ્રી સિટી પ્રોજેક્ટ, પ્રાકૃતિક ખેતી અભિયાન અને બાજરી ખરીદી મુદ્દે સરકારના વલણ અંગે પણ વિગતવાર માહિતી આપી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, પૂર્વ મંત્રી યોગેશ પટેલે રાવપુરા અને માંજલપુર વિસ્તારના ધારાસભ્ય તરીકે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. પાયાની સુવિધાઓ માટે તેમણે સતત લડત આપી હતી. તેમના નિધનથી જાહેર જીવનમાં એક ખાલીપો સર્જાયો હોવાનું પણ તેમણે જણાવ્યું.
રાજ્ય સરકારે ગુજરાતના શહેરી વિસ્તારોને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે વર્ષ ૨૦૩૦ સુધી તબક્કાવાર રીતે ‘વાયર-ફ્રી સિટી’ બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કામાં રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ અને અન્ય શહેરી વિસ્તારોને આ યોજનામાં આવરી લેવામાં આવશે. હાઈ ટેન્શન અને લો ટેન્શન વીજ કેબલ ઉપરાંત વિવિધ નેટવર્ક કેબલોને પણ ભૂગર્ભમાં લઈ જવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી જનજીવન વધુ સુરક્ષિત બનશે અને અવરોધ વિનાનો વીજ પુરવઠો મળી શકશે. આ ઉપરાંત ઊર્જા ક્ષેત્રમાં ગુજરાતને વધુ એક સિદ્ધિ મળી છે. રૂફટોપ સોલાર ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બદલ વર્ષ ૨૦૨૬ના રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી હોવાનું પણ વાઘાણીએ જણાવ્યું.
તેમણે જણાવ્યું કે, કૃષિ ક્ષેત્રમાં રાજ્ય સરકારે ‘ખેતી બચાવો અભિયાન’ને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો નિર્ણય કર્યો છે. રાસાયણિક ખાતરોના વધતા ઉપયોગને કારણે જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા પર થતી અસરને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવામાં આવશે. આગામી સમયમાં પાંચ લાખ ખેડૂતોને આ અભિયાન સાથે જાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા માટે રાજ્યભરમાં સેમિનાર, વર્કશોપ અને અન્ય કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી સહિત જિલ્લાના અધિકારીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ અને કૃષિ વિભાગના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સીગ મારફતે આ અભિયાન સાથે જાડાશે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે લાંબા ગાળાની આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવશે.
બાજરી ખરીદી મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવેલા વિરોધ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે આ મુદ્દે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે. ખેડૂતોનું રજિસ્ટ્રેશન અપેક્ષા કરતાં વધુ હોવાથી કેન્દ્ર સરકાર સમક્ષ વધુ કોટા ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ખરીદી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર ખેડૂતોના હિત માટે સંવેદનશીલ છે અને તેમના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા બાજરી ખરીદી માટે નવી મર્યાદા લાગુ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જાવા મળી રહી છે. સરકારે રાતોરાત પરિપત્ર જાહેર કરીને ૨ જૂનથી ખેડૂતદીઠ માત્ર ૧૦૦ મણ બાજરીની જ ખરીદી કરવાનો નિર્ણય અમલમાં મૂકયો છે. અગાઉ બાજરી ખરીદી માટે આવી કોઈ મર્યાદા ન હતી, જેના કારણે ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે. સરકારના નવા નિયમ મુજબ હવે દરેક ખેડૂત પાસેથી મહત્તમ ૧૦૦ મણ બાજરીની જ ખરીદી કરવામાં આવશે. ખેડૂતોનું કહેવું છે કે આ નિર્ણયથી ખાસ કરીને વધુ ઉત્પાદન કરનારા ખેડૂતોને સીધી અસર થશે. મોટા પાયે બાજરીનું વાવેતર કરનારા ખેડૂતો માટે પોતાની સંપૂર્ણ ઉપજનું વેચાણ કરવું મુશ્કેલ બની શકે છે. આ નિર્ણય સામે ભારતીય કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો છે.
કિસાન સંઘનું કહેવું છે કે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર અને તેમની સાથે કોઈ ચર્ચા કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંઘે સરકાર સમક્ષ રજૂઆત કરીને ખેડૂતદીઠ ૧૦૦ મણ બાજરી ખરીદીની મર્યાદા પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે જા સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાલ ખેડૂતોની રજૂઆત બાદ સરકાર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. સરકાર મર્યાદામાં કોઈ ફેરફાર કરે છે કે નહીં અને ખેડૂતોની માંગને કેટલું મહત્વ આપે છે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.







































