અમરેલી જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ (DTCC) ના સઘન પ્રયાસો અને આયોજનબધ્ધ કામગીરીને કારણે જિલ્લાને રાજ્ય કક્ષાનો ગૌરવપૂર્ણ “ઓવરઓલ એક્સેલન્સ” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ૭૯મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે આ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપનાર કર્મચારીઓનું વિશેષ સન્માન કરાયું હતું. જિલ્લામાં વ્યસનમુક્તિ માટે વર્ષભર અસંખ્ય કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ૧૧ રેલીઓ, ૫૦ શિબિરો અને ૩૧૪ સંકલ્પ કાર્યક્રમો દ્વારા હજારો નાગરિકોને વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા. યુવા પેઢીને બચાવવા માટે ૭૭૮ શૈક્ષણિક સંસ્થાઓમાં “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” (ToFEI) ના કડક નિયમો લાગુ કરાયા છે. તદુપરાંત, કાયદાના પાલન માટે ‘કોટપા’ (COTPA) હેઠળ ૧,૫૩૨ કેસ નોંધીને રૂપિયા ૧,૫૦,૨૫૫નો દંડ વસૂલવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાએ ગ્રામીણ સ્તરે ઈતિહાસ રચતા ૬૨૬ ગામોની ૬૦૩ ગ્રામ પંચાયતોમાં “સ્મોક ફ્રી વિલેજ” ના સત્તાવાર ઠરાવો પસાર કરાવ્યા છે, જે સિધ્ધ મેળવનાર તે રાજ્યનો એકમાત્ર જિલ્લો બન્યો છે. આ જનઆંદોલનમાં ૧૮,૮૪૭થી વધુ ગ્રામજનો સીધા જોડાયા હતા.