ગુજરાતના તટીય વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મરીન પોલીસ અને મરીન કમાન્ડોની ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી અમિત વિશ્વકર્મા અને ડીઆઇજીપી એ. એમ. મુનિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતના સંવેદનશીલ તટીય વિસ્તારોમાં ચેકિંગ, પેટ્રોલિંગ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને કચ્છ જિલ્લાના જખૌ સેક્ટરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવામાં આવી છે.

જખૌ સેક્ટરમાં ડીવાયએસપી આર. એમ. ચૌધરીના નેતૃત્વમાં મરીન કમાન્ડોની ટીમ દ્વારા સિંધોડી બીચ, સૈયદ સુલેમાન, ભારત સોલ્ટ અને શિયાળબારી સહિતના વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું. દરિયાઈ સરહદ નજીક આવતા દરેક શંકાસ્પદ હલનચલન પર નજર રાખવામાં આવી રહી છે.

મરીન પોલીસ દ્વારા સ્થાનિક માછીમારો સાથે બેઠક યોજી તેમને શંકાસ્પદ વ્યક્તિઓ, અજાણી બોટો અથવા દરિયામાં જોવા મળતી કોઈ પણ અસામાન્ય પ્રવૃત્તિ અંગે તાત્કાલિક જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓએ માછીમારોને દરિયાઈ સુરક્ષામાં મહત્વના ભાગીદાર ગણાવી તેમની સહભાગિતાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.

ડ્રગ્સ અને અન્ય કેફી પદાર્થોની દરિયાઈ માર્ગે થતી હેરાફેરી અટકાવવા માટે પણ ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે તોફાની દરિયા અને બદલાતા હવામાનને કારણે કિનારે બિનવારસુ ડ્રગ્સના પેકેટો અથવા અન્ય શંકાસ્પદ સામગ્રી તણાઈને આવી શકે છે. આવી કોઈ વસ્તુ જોવા મળે તો તેને સ્પર્શ કર્યા વગર તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત યુદ્ધ અથવા અન્ય આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના કારણે દરિયામાં તૂટી પડેલા જહાજા, બોટો અથવા મિસાઈલના અવશેષો કિનારે આવી પહોંચવાની શક્યતા અંગે પણ સ્થાનિક લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.

મરીન ટાસ્ક ફોર્સે સ્થાનિક રહેવાસીઓ, માછીમારો અને તટીય વિસ્તારોમાં વસતા લોકોને રાષ્ટ્રીય સુરક્ષા અને દરિયાઈ સરહદની સલામતી માટે વહીવટી તંત્રને સહકાર આપવા અપીલ કરી છે. રાજ્યના દરિયાકાંઠે સુરક્ષાને લઈને આગામી દિવસોમાં પણ આવી વિશેષ કામગીરી ચાલુ રહેશે.