ગામડાના ત્રણ મિત્રોએ મળીને બનાવી પશુઓની ડિજિટલ ઓળખ સિસ્ટમ, શાર્ક ટેન્ક ઇન્ડિયા સુધી પહોંચ્યો આ ઇનોવેટીવ આઇડિયા
જેમ આપણે બધા માણસોની આંગળીઓની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ અલગ અને અનોખી હોય છે, તે જ રીતે પશુઓના નાક પર આવેલી રેખાઓ અને તેની પેટર્ન પણ સાવ અલગ અને વિશિષ્ટ હોય છે. આ વિશિષ્ટ પેટર્નને ટેકનોલોજીની ભાષામાં મઝલ પ્રિન્ટ અથવા નોઝ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ પશુઓની સાચી ઓળખ મેળવવા માટે આ નાકની પેટર્નની વિશિષ્ટતાનો ઉપયોગ કરવાની સંભાવનાઓ ઉપર ખૂબ અભ્યાસ થયો હતો. આ જ વિચારને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બાયોમેટ્રિક ટેકનોલોજી સાથે જોડીને એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેને ‘એનિમાલ્સ આધાર’ નામ આપવામાં આવ્યું છે. આ એક એઆઈ સંચાલિત મોબાઈલ એપ્લિકેશન છે, જે પશુના નોઝ પેટર્ન પરથી તેની ડિજિટલ અને બાયોમેટ્રિક ઓળખ બનાવવાનું કામ સરળતાથી કરે છે. પરંતુ આટલો મોટો અને અનોખો વિચાર કોઈ મોટી કંપનીની એસી ઓફિસમાં બેસીને આવ્યો નહોતો. તેની સાચી શરૂઆત રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી નામના એક નાનકડા ગામથી થઈ હતી, અને તેની પાછળ શિવમ મોણપરાના મનમાં વર્ષોથી રહેલો એક આગવો અનુભવ જવાબદાર હતો. આ અનોખા મિશનમાં ત્રણ મિત્રો શિવમ મોણપરા, જયદીપ શેલડિયા અને આકાશ લીંબાણી એકસાથે જોડાયા હતા. આ ત્રણેય મિત્રોએ સાથે મળીને એનિમલ્સ આધાર એપ્લિકેશન વિકસાવવાનું કામ શરૂ કર્યું હતું, જેમાં પશુની ડિજિટલ આઇડેન્ટિટી બનાવવાનો એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ યુવા ટીમે માત્ર સોફ્ટવેર બનાવવા પર જ આધાર ન રાખ્યો, પરંતુ પશુઓના મઝલ પ્રિન્ટને યોગ્ય રીતે કેપ્ચર કરવા માટે પોતાનું ખાસ મઝલ સ્કેનર ડિવાઇસ પણ જાતે વિકસાવ્યું હતું, જેના માટે તેઓને ઇન્ડિયન પેટન્ટ પણ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. આ નવી ટેકનોલોજીની વાસ્તવિક ક્ષમતા અને ચોકસાઈ ચકાસવા માટે આ ટીમે ૫,૦૦૦થી પણ વધુ પશુઓના મઝલ પર સતત ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. ગામડાઓની મુશ્કેલ પરિસ્થિતિ, પશુઓની સતત થતી હલચલ અને ખેતરના વાતાવરણ વચ્ચે સતત ટેસ્ટિંગ કરીને તેમાં જરૂરી સુધારા-વધારા કરવામાં આવ્યા હતા. નાનકડા ગામમાંથી શરૂ થયેલા આ ક્રાંતિકારી વિચારને આગળ ધપાવવા માટે ભારત સરકાર તરફથી પણ આર્થિક મદદ મળી છે. આ ટીમને સ્જીસ્ઈ તરફથી રૂ.૧૫ લાખની ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે, અને સાથોસાથ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડમાંથી રૂ.૩૦ લાખ ઝ્રઝ્રડ્ઢ (કમ્પલસરી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ) તરીકે મંજૂર કરવામાં આવ્યા છે. આ ત્રણેય ફાઉન્ડર્સ પોતાના આ ઇનોવેટિવ આઇડિયા સાથે પ્રખ્યાત શો ‘શાર્ક ટેન્ક ઇન્ડિયા’ના ઇન્ટરવ્યૂ તબક્કા સુધી પણ સફળતાપૂર્વક પહોંચી ચૂક્યા છે. આ એનિમલ્સ આધાર માત્ર એક આઇડી એપ નથી, પરંતુ તેમાં પશુઓની લે-વેચ, એઆઈ હેલ્થ ચેકર, એઆઈ એજ ડિટેક્ટર અને અન્ય ઘણું બધું પશુપાલન સંબંધિત ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. જેથી એક જ પ્લેટફોર્મ પર પશુપાલકોને પશુની ઓળખથી લઈને તેના સ્વાસ્થ્ય અને વેપાર સુધીની તમામ સેવાઓ સરળતાથી મળી રહે. આ એપ્લિકેશનનું સત્તાવાર જાહેર લોન્ચિંગ દિવાળી ૨૦૨૬ દરમિયાન કરવાની સરસ યોજના ઘડી છે.









































