મુંબઈના બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝે દિશા સલિયન મૃત્યુ કેસમાં દાખલ કરાયેલી નવી સીબીઆઇ એફઆઇઆર અંગે સ્પેશિયલ એનઆઇએ કોર્ટનો સંપર્ક કર્યો છે. વાઝે આરોપ લગાવ્યો છે કે એફઆઇઆરમાં તેમનું નામ આવ્યા પછી, કેટલાક વકીલો અને મીડિયા તેમના વિરુદ્ધ વાતાવરણ બનાવવા અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે માંગ કરી છે કે જો આ કેસમાં તેમને રજૂ કરવા અથવા કસ્ટડીમાં લેવા માંગે છે તો કોઈપણ આદેશ પસાર થાય તે પહેલાં કોર્ટને તેમનો પક્ષ સાંભળવો જોઈએ.
એન્ટીલિયા બોમ્બ વિસ્ફોટ અને મનસુખ હિરેન હત્યા કેસમાં હાલમાં ન્યાયિક કસ્ટડીમાં રહેલા વાઝે ગુરુવારે તેમના વકીલ દિશા હાટકર દ્વારા બે પાનાની અરજી દાખલ કરી હતી. વાઝે જણાવ્યું હતું કે તેમને આ નવી એફઆઇઆર વિશે અખબારો અને અન્ય મીડિયા આઉટલેટ્‌સ દ્વારા જાણવા મળ્યું હતું. તેમણે કોર્ટને કહ્યું હતું કે એફઆઇઆરમાં તેમનું નામ હોવા છતાં, નિર્ણય લેતા પહેલા તેમની વાત સાંભળવી જોઈએ.
વાઝે તેમની અરજીમાં તેમને બદનામ કરવાની ઝુંબેશનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમનો દાવો છે કે તેમને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ, અભિનેત્રી રિયા ચક્રવર્તી અને કેટલાક અગ્રણી રાજકારણીઓ સાથેના જૂથના ભાગ રૂપે દર્શાવવામાં આવી રહ્યા છે. તેમણે દિશા સલિયનના પિતાનું પ્રતિનિધિત્વ કરતા વકીલ સાથે કોઈપણ જાડાણ હોવાનો પણ ઇનકાર કર્યો છે. દિશા સલિયન કેસમાં તેમની સામે ન્યાયિક કબૂલાતની શક્્યતાને પણ વેઝે નકારી કાઢી છે.
બોમ્બે હાઇકોર્ટના ૨ સપ્ટેમ્બરના આદેશ બાદ આ કેસ ફરી શરૂ થયો છે. દિશા સલિયનના પિતા સતીશ સલિયનની અરજી પર કોર્ટે સીબીઆઇ ને તેમની પુત્રીના મૃત્યુ સંબંધિત સમગ્ર મામલાની તપાસ કરવા અને એફઆઇઆર નોંધવાનો નિર્દેશ આપ્યો. આ પછી, સીબીઆઇએ સતીશ સલિયનનું નિવેદન નોંધ્યું અને એફઆઇઆર દાખલ કરી.એફઆઇઆર માં ઘણા વ્યક્તિઓના નામ છે જેમની ભૂમિકાઓની તપાસ કરવાની છે. આમાં સચિન વાઝે અને ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ, તેમજ આદિત્ય ઠાકરે, ઉદ્ધવ ઠાકરે, રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, ડીનો મોરિયા અને સૂરજ પંચોલીનો સમાવેશ થાય છે. હાઇકોર્ટે તેના આદેશમાં એ પણ સ્પષ્ટ કર્યું કે તપાસ દરમિયાન પૂરતી સામગ્રી બહાર ન આવે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને આરોપી ગણવી જાઈએ નહીં.