જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના પાણીધ્રા ગામે ઝેરી દેશી દારૂ પીવાના કારણે એક મહિલા સહિત ચાર લોકોને ગંભીર ઝેરી અસર થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેશી દારૂ પીધા બાદ ચારેય યુવાનોની તબિયત લથડતાં તેમને તાત્કાલિક જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં બે લોકોની હાલત હજુ પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે અને ઇન્ચાર્જ એસપી રોહિત ડગરે ખુલાસો કર્યો છે કે, અગરબત્તીના કેમિકલનો ઉપયોગ કરીને આ ઝેરી દારૂ બનાવવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે મુખ્ય આરોપી રામ સિસોદિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનું ખુલતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. મિથેનોલ લઠ્ઠો બનાવવા માટે જવાબદાર હોય છે.

ઘટનાની ગંભીરતાને જોતા માળિયા હાટીના પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ કામે લાગ્યા હતા. ઇન્ચાર્જ એસપી રોહિત ડગરના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ અગરબત્તી બનાવવા માટે વપરાતા ઘાતક કેમિકલમાંથી આ દેશી દારૂ બનાવ્યો હતો. આ દારૂમાં ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલનો ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ માટે સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. જોકે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલી મૃત્યુની અફવાઓને પોલીસે સત્તાવાર રીતે ફગાવી દીધી હતી.

આ ગંભીર ઘટના બાદ આરોપીના સગા ભત્રીજાએ કેમેરા સામે સ્વીકાર્યું હતું કે, તેઓ વંથલીથી દારૂ લાવીને અહીં દરરોજનું અંદાજે ૧૦ લિટર જેટલું વેચાણ કરતા હતા. મુખ્યત્વે ટ્રક ડ્રાઇવરોને નિશાન બનાવીને આ દારૂ વેચવામાં આવતો હતો. એટલું જ નહીં, તેણે આક્ષેપ કર્યો હતો કે વિસ્તારમાં અન્ય ૨૦થી વધુ લોકો પણ આ રીતે દેશી દારૂના વેચાણના કાળા કારોબારમાં સંકળાયેલા છે.

ઘટનાના પગલે એક્શનમાં આવેલી માળિયા હાટીના પોલીસે મુખ્ય આરોપી રામ સિસોદિયાને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી ૮૦૦ રૂપિયાની કિંમતનો ૪ લિટર ઝેરી દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને લોકોના જીવ સાથે રમત રમનાર તમામ દોષિતો સામે કાયદાનું કડક શસ્ત્ર ઉગામવાની ખાતરી આપવામાં આવી છે.