ઈરાને બુધવારે કુવૈત અને બહેરીનમાં યુએસ લશ્કરી થાણાઓ પર અનેક મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કર્યા. આ હુમલાઓમાં કુવૈતના એરપોર્ટને પણ ભારે નુકસાન થયું. કુવૈતે જણાવ્યું હતું કે દેશના એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલા બાદ તેણે વાણિજ્યક ફ્લાઇટ્‌સ સ્થગિત કરી દીધી છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે.

જવાબમાં, કુવૈતના વિદેશ મંત્રાલયે આ હુમલા માટે ઈરાનને દોષી ઠેરવતા કહ્યું કે બેલિસ્ટીક મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને સતત હુમલાઓ પ્રાદેશિક સુરક્ષા માટે ગંભીર ખતરો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, વહેલી સવારે થયેલા હુમલામાં એરપોર્ટ સહિત અનેક મહત્વપૂર્ણ નાગરિક સુવિધાઓ અને રાજદ્વારી પરિસરને નુકસાન થયું. કુવૈતે આ હુમલાઓને આક્રમક અને અસ્વીકાર્ય ગણાવ્યા, અને કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય કાયદા, યુએન ચાર્ટર અને સુરક્ષા પરિષદના ઠરાવોનું ઉલ્લંઘન કરે છે.

કુવૈત સરકારે જણાવ્યું કે દેશની સાર્વભૌમત્વ અને તેના નાગરિકોની સલામતી લાલ રેખાઓ છે અને કોઈપણ સંજાગોમાં તેને સહન કરવામાં આવશે નહીં. સરકારે સંકેત આપ્યો કે તે બદલો લેવાના પગલાં લેવાનું વિચારી રહી છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ સઉદ અબ્દુલઅઝીઝ અલ-ઓતૈબીએ જણાવ્યું કે હુમલા બાદ તાત્કાલિક કટોકટી સેવાઓ અને તબીબી ટીમો સક્રિય કરવામાં આવી હતી. ઘાયલોની સારવાર ચાલુ છે. હુમલાથી ઇમારતને ભારે નુકસાન થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

આ ડ્રોન હુમલો મંગળવારે મોડી રાત્રે ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા મિસાઈલ હુમલાઓ પછી થયો. યુએસ લશ્કરે કહ્યું કે તેણે કુવૈત અને બહેરીન પર ઈરાનના મિસાઈલોના જવાબમાં કેશમ ટાપુ પર ઈરાની લશ્કરી મથક પર હુમલો કર્યો.

જોકે, યુએસએ દાવો કર્યો કે તેના દળોએ આ પ્રદેશના પડોશી દેશોને લક્ષ્ય બનાવતા ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાઓની શ્રેણીને નિષ્ફળ બનાવી દીધી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે એક સત્તાવાર નિવેદનમાં અહેવાલ આપ્યો કે તેહરાને આ પ્રદેશમાં હવાઈ હુમલાઓનો એક મોજું શરૂ કર્યું છે. લશ્કરી કમાન્ડે અહેવાલ આપ્યો કે ઈરાને તેના પ્રાદેશિક પડોશીઓ પર ઘણી બેલિસ્ટીક મિસાઈલો છોડી. જો કે, બધા તેમના લક્ષ્યોને ફટકારવામાં નિષ્ફળ ગયા.

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે હુમલાઓ બાદ યુનાઇટેડ સ્ટેટ્‌સને ચેતવણી આપી હતી. આઈઆરજીસીએ જણાવ્યું હતું કે તેહરાનના બદલો લેવાના હુમલાઓ યુનાઇટેડ સ્ટેટ્‌સ માટે પાઠ તરીકે સેવા આપશે. પશ્ચિમ એશિયાઈ દેશોમાં રાતોરાત થયેલા હુમલાઓ બાદ આઈઆરજીસીના જનસંપર્ક વિભાગે આ નિવેદન આપ્યું હતું. “મોડી રાત્રે, યુએસ સૈન્યએ હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક ઈરાની તેલ ટેન્કર પર મિસાઈલ હુમલો કર્યો, જેનાથી ટેન્કરના એન્જીન રૂમને નુકસાન થયું,” નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

આઇઆરજીસીએ જણાવ્યું હતું કે આ આક્રમણ અને હોર્મુઝ સ્ટ્રેટને સંચાલિત કરતા નિયમોના ઉલ્લંઘનના જવાબમાં, અમેરિકન-ઝાયોનિસ્ટ દુશ્મન સાથે સંકળાયેલા પનાયા નામના જહાજને આઇઆરજીસી નૌકાદળ દ્વારા છોડવામાં આવેલા મિસાઈલો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. નિવેદનમાં ઉમેરવામાં આવ્યું હતું કે યુએસ સૈન્યએ ત્યારબાદ કેશમ ટાપુ પર સ્થિત આઇઆરજીસી કોમ્યુનિકેશન ટાવરને નિશાન બનાવ્યો હતો.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, “જવાબમાં,આઇઆરજીસી એરોસ્પેસ ફોર્સે તેમના હવાઈ મથક અને હેલિકોપ્ટર મથક, તેમજ પ્રદેશના એક દેશમાં સ્થિત યુએસ ફિફ્થ ફ્લીટના મુખ્ય મથક પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા.” આઇઆરજીસીએ જણાવ્યું હતું કે અમે પહેલાથી જ ચેતવણી આપી હતી કે કોઈપણ આક્રમણનો જવાબ અલગ અને વધુ કડક રીતે આપવામાં આવશે.”

આઇઆરજીસીએ કહ્યું કે અમે તે મુજબ કાર્ય કર્યું છે. આ પ્રતિભાવો એક પાઠ તરીકે કામ કરશે. અમે પુનરાવર્તિત કરીએ છીએ કે કોઈપણ યુએસ સૈન્ય હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે.