ગુજરાતમાં હાલ મેઘરાજા પૂરેપુરા મૂડમાં દેખાઈ રહ્યા છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી સાથે વરસાદી માહોલ યથાવત્ રહેવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ ચોમાસાની વિદાયના ભણકારા પણ શરૂ થઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી નૈઋત્ય ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. એટલે કે આગામી પાંચ દિવસમાં દેશમાંથી ચોમાસાની પરત ફરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ શકે છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, હાલ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેને અડીને આવેલા ઉત્તર ગુજરાત પર લો-પ્રેશર વિસ્તાર સક્રિય છે. તેની અસર હેઠળ આજે, ૧૪ સપ્ટેમ્બરે સૌરાષ્ટ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ ખૂબ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલની વરસાદી સિસ્ટમની અસરને કારણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની સ્થિતિ જાવા મળી શકે છે. બીજી તરફ, ચોમાસાની વિદાય માટેની પ્રક્રિયા શરૂ થવાની સંભાવનાને કારણે આગામી દિવસોમાં હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જાવા મળી શકે છે.
સામાન્ય રીતે ચોમાસાની વિદાયની શરૂઆત પશ્ચિમ રાજસ્થાનથી થાય છે અને ત્યારબાદ ચોમાસું અન્ય વિસ્તારોમાંથી તબક્કાવાર પરત ફરતું જાય છે. આ વખતે પણ ૧૯ સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય શરૂ થવા માટે હવામાન અનુકૂળ બની રહ્યું છે. એટલે હાલ ગુજરાતમાં ભારે વરસાદની શક્્યતા હોવા છતાં આગામી થોડા દિવસોમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે. જાકે, ગુજરાતમાંથી ચોમાસાને સંપૂર્ણપણે વિદાય લેવામાં થોડા દિવસો લાગી શકે છે. હાલ આ અંગે ચોક્કસ માહિતી સામે આવી નથી.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી નવીનતમ માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. ૨૦ સપ્ટેમ્બર સુધીમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગે મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં રેડ એલર્ટ આપ્યું છે. આ ત્રણેય જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શક્્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને લોકોને સાવચેતી રાખવાની જરૂર છે. આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.









































