મમતા બેનરજી કા ખેલા હો ગયા.
દેશનાં પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં. આ પરિણામોમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુનાં પરિણામો સૌથી નોંધપાત્ર છે. બંગાળમાં મમતા બેનરજીની હાર થશે અને ભાજપ જીતશે એવી અપેક્ષા હતી પણ તમિલનાડુમાં ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટીને આવી જબરદસ્ત સફળતા મળશે એવી કોઈને આશા નહોતી એ જોતાં તમિલનાડુનાં પરિણામ લોકો માટે આંચકાજનક છે. તમિલનાડુમાં વધારે આંચકાજનક વાત એ છે કે, સત્તાધારી ડીએમકે છેક ત્રીજા સ્થાને આવી ગઈ છે જ્યારે ભાજપ સાથે જોડાણ કરીને લડનારી એઆઈએડીએમકે બીજા સ્થાને આવી છે. તમિલનાડુની પ્રજામાં હિંદુ વિરોધી ઉન્માદ ઉભો કરનારા અને સનાતન ધર્મ વિરોધી બકવાસ કરનારા સ્ટાલિન તથા તેના દીકરા ઉદયનિધીને ઘરભેગા કરીને તમિલ પ્રજાએ તેમને પાઠ ભણાવ્યો છે.
બાકીનાં ત્રણ રાજ્યોમાં અપેક્ષા પ્રમાણેનાં પરિણામ આવ્યા છે તેથી તેની કોઈ ચર્ચા નથી. આસામમાં ભાજપે સતત ત્રીજી વાર જીતીને સત્તા હાંસલ કરી છે અને કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે. આસામમાં કોંગ્રેસ ફરી સત્તામાં આવવાનાં સપનાં જોતી હતી પણ ભાજપે તેનાં સપનાં ચકનાચૂર કરી નાખ્યાં છે. કેરળમાં કોગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ ડાબેર મોરચાને પછાડીને પિનારાયી વિજયનના ૧૦ વર્ષના શાસનનો અંત લાવી દીધો છે. કોંગ્રેસે બીજે જરાય સારો દેખાવ કર્યો નથી પણ કેરળમાં જીત મળી તેથી તેની નિષ્ફળતા ઢંકાઈ ગઈ છે. નાનકડા પુડ્ડુચેરીમાં ભાજપ અને તેના સાથી ઓલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસે સત્તા જાળવી છે અને કોંગ્રેસના ભાગે નિરાશા આવી છે.
//////////////////////////////
બંગાળમાં ભાજપની જીત બહુ મોટી છે.
ભાજપ છેલ્લાં ૧૫ વર્ષથી પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની
તૃણમૂલ કોંગ્રેસને હરાવવા મથતો હતો પણ સફળતા નહોતી મળતી. ૨૦૧૬ અને ૨૦૨૧માં પણ ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી પણ જીતી નહોતા શક્યા. આ વખતે ભાજપે મહિલાઓને દર મહિને ૩૦૦૦ રૂપિયા આપવાનો દાવ ખેલ્યો અને એ ફળી ગયો. મહિલા મતદારોના જોરે ભાજપે ૧૫ વર્ષથી જામેલાં મમતાને ઉખાડી ફેંક્યાં. તેના કારણે મમતા ભારતમાં સૌથી લાંબો સમય સત્તામાં રહેનારાં મહિલા મુખ્યમંત્રી ના બની શક્યાં અને શીલા દિક્ષિતનો રેકોર્ડ અકબંધ રહી ગયો.
બંગાળમાં ભાજપે ચોક્કસ વ્યૂહરચના બનાવીને જીત મેળવી છે. ભાજપે પહેલાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓને પોતાની તરફ ખેંચ્યા, પછી ધીરે ધીરે હિંદુત્વવાદી વિચારો દ્વારા પોતાની એક મતબેંક બનાવી અને છેલ્લે મહિલાઓને દર મહિને સહાયનો માસ્ટરસ્ટ્રોક ખેલી નાંખ્યો. ઘણાં રાજ્યોમાં ભાજપને આ દાવ ફળેલો છે ને બંગાળમાં પણ તેનું પુનરાવર્તન થયું.
આ હાર સાથે મમતા બેનરજીની રાજકીય કારકિર્દી લગભગ પતી ગયેલી મનાય છે કેમ કે મમતા હવે ૭૧ વર્ષનાં છે અને બીજાં ૫ વર્ષ ટકી શકે એવું તેમનું શારીરિક સ્વાસ્થ્ય નથી. આ સંજોગોમાં તૃણમૂલ કોંગ્રેસની જવાબદારી કોના ખભે આવશે એ જોવાનું રહેશે પણ મમતાને ઈતિહાસ એક લડાયક નેતા તરીકે હંમેશાં યાદ રાખશે. પહેલાં કોંગ્રેસમાં હતાં ત્યારે કોંગ્રેસની નેતાગીરી સામે, તૃણણૂલ કોંગ્રેસ બનાવ્યા પછી ડાબેરીઓ સામે અને મુખ્યમંત્રી બન્યા પછી ભાજપ સામે મમતાએ આપેલી લડત યાદગાર છે. મમતાએ એકલા હાથે બધાંને હંફાવીને સળંગ ૧૫ વર્ષ સુધી બંગાળ પર શાસન કર્યું. ભારતના રાજકારણમાં આવી કોઈ મહિલા આવી નથી ને કદાચ આવશે પણ નહીં.
//////////////////////////////
વિજયને તમિલ પ્રજા લાડથી ‘થલપતિ’ કહે છે.
‘થલપતિ’ એટલે લીડર, લોકોનો માર્ગદર્શક અને તમિલ પ્રજાએ વિજયને પોતાના નવા માર્ગદર્શક તરીકે પસંદ કર્યો છે. વિજય તમિલનાડુમાં સત્તાસ્થાને પહોંચનારો એમજીઆર અને જયલલિતા પછી ત્રીજો સુપરસ્ટાર બન્યો છે. અલબત્ત એમજીઆર અને જયલલિતા બંને કોઈના રાજકીય વારસા પર આગળ આવ્યાં હતાં એ જોતાં વિજયની સફળતા બહુ મોટી છે.
વિજય સામાન્ય પરિવારનો દીકરો નથી પણ ધનિક પરિવારનું સંતાન છે. વિજયના પિતા એસ. એ. ચંદ્રશેખર ફિલ્મ ડિરેક્ટર છે જ્યારે માતા શોભા ચંદ્રશેખર પ્લેબેક સિંગર છે. વિજયના પિતા ખ્રિસ્તી છે જ્યારે માતા હિન્દુ છે. વિજય સારી સ્કૂલોમાં ભણ્યો છે અને સારી જીંદગી જીવ્યો છે. લોયોલા કોલેજમાંથી વિઝ્યુઅલ કોમ્યુનિકેશનમાં સ્નાતક વિજયને તેના પિતાએ જ લોંચ કરેલો તેથી વિજયે સામાન્ય પરિવારનાં સંતાનો જેવો સંઘર્ષ જોયો નથી પણ સામે તેને કોઈ રાજકીય પીઠબળ પણ નથી. વિજય કોઈ રાજકીય વિચારધારા સાથે જોડાયેલો નથી જ્યારે એમ.જી. આર અને જયલલિતા ડીએમકેની વિચારધારામાંથી બહાર આવ્યાં હતાં.
એમ.જી. આર ઉર્ફે મરૂધર ગોપાલન રામચંદ્રન તમિલનાડુમાં ૧૯૭૭થી ૧૯૮૭ એમ દસ વર્ષ સુધી મુખ્યમંત્રી હતા. તમિલનાડુમાં આઝાદી પહેલાંથી દ્રવિડ ચળવળ પ્રબળ બની અને ૧૯૪૦ના દાયકામાં પેરીયારે જસ્ટિસ પાર્ટી બનાવી હતી. પેરીયારની છત્રછાયામાં અન્નાદુરાઈ અને કરૂણાનિધી દ્રવિડિયન ચળવળના નેતા તરીકે ઉભર્યા. પેરીયારે પોતાનાથી ૨૦ વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરીને રાજકીય વારસ બનાવતાં અન્નાદુરાઈ અને કરૂણાનિધીએ ૧૯૪૯માં દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) બનાવી. એમજીઆર પહેલાં કોંગ્રેસી હતા ને ૧૯૫૩માં ડીએમકેમાં આવ્યા. અન્નાદુરાઈના નિધન પછી કરૂણાનિધી મુખ્યમંત્રી બનતાં એમજીઆરને વિખવાદ થતાં ૧૯૭૨માં એઆઈએડીએમકે બનાવી. ૧૯૭૭માં એ મુખ્યમંત્રી બન્યા પછી ૧૯૮૭માં જીવ્યા ત્યાં લગી મુખ્યમંત્રી રહ્યા.
જયલલિતા તમિલ ફિલ્મોનાં સુપરસ્ટાર જયલલિતાના એમ.જી. રામચંદ્રન સાથે સંબંધો હતા તેથી જયલલિતા આગળ આવ્યાં. એમજીઆરના નિધન પછી તેમનાં પત્ની જાનકી થોડા સમય માટે મુખ્યમંત્રી બનેલાં પણ જયલલિતાએ રાજીવ ગાંધીની કોગ્રેસ સાથે જોડાણ કરીને જાનકીનો ઘડોલાડવો કરીને એઆઈએડીએમકે પર કબજો કરી લીધો. જયલલિતા છ વાર તમિલનાડુનાં મુખ્યમંત્રી બન્યાં ને ૧૪ વર્ષ મુખ્યમંત્રીપદ ભોગવ્યું. ભારતમાં કોઈ ફિલ્મ સ્ટાર આટલો લાંબો સમય મુખ્યમંત્રીપદે રહ્યાં નથી. વિજય પાસે આ કશું નહોતું છતાં એ સત્તા સ્થાને પહોંચ્યો છે.
///////////////////////
વિજયની સફળતાને આંધ્ર પ્રદેશના એનટીઆરની સાથે સરખાવી શકાય. તેલુગુ ફિલ્મોના સૌથી મોટા સુપરસ્ટાર નંદમૂરિ તારક રામારાવ એટલે કે એનટીઆર પડદા પર પણ રામ બનતા. ધાર્મિક ફિલ્મોમાં ભગવાનના રોલ કરી કરીને કરીને તેલુગુ પ્રજાના મનમાં ભગવાન જેવું સ્થાન મેળવ્યું તેનો જોરદાર રાજકીય ફાયદો તેમને ૧૯૮૩માં મળ્યો હતો. રામારાવે માર્ચ, ૧૯૮૨માં તેલુગુ પ્રજાના સ્વાભિમાનને પુનર્સ્થાપિત કરવા તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) બનાવી અને દસ મહિના પછીતો એનટીઆર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા હતા.
રામારાવે કોઈ રાજકીય પક્ષ કે વિચારધારાના ખભે રહીને રાજકીય કારકિર્દી ના બનાવી પણ પોતાના કરિશ્મા અને પોતાના દમ પર જીત્યા હતા. વિજય પણ રાજકીય પરિવારનો નથી પણ તમિલ પ્રજાના માનસમાં ઉભી કરેલી હીરોની ઈમેજના કારણે લોકોએ તેને જીતાડ્‌યો છે.
કોંગ્રેસના ઈશારે ૧૯૮૪માં ભાસ્કરરાવે બળવો કર્યો પછી રામારાવે જોરદાર લડત આપતાં ઈન્દિરાએ તેમની સામે ઝૂકીને રામારાવને ફરી મુખ્યમંત્રી બનાવવા પડ્‌યા હતા. ઈન્દિરા ગાંધીની હત્યા પછી ૧૯૮૪માં આખા દેશમાં કોંગ્રેસનું રોલર ફરી વળેલું ત્યારે માત્ર એન.ટી. રામારાવે ઝીંક ઝીલી હતી અને આંધ્ર પ્રદેશમાં જ કોંગ્રેસ જીતી શકી નહોતી. આંધ્ર પ્રદેશની ૪૨ બેઠકોમાંથી ૨૭ જીતીને ટીડીપી લોકસભામાં સૌથી મોટો વિપક્ષ હતો. ભાજપે લોકસભામાં બે બેઠકો જીતી હતી. રામારાવે ભાજપ સાથે જોડાણ કરેલું તેથી તેમના કારણે એક બેઠક ભાજપ આંધ્ર પ્રદેશમાં જીતી ગયેલો ને બીજી બેઠક ગુજરાતના મહેસાણામાં જીતી હતી.
રામારાવે આંધ્રના રાજકારણને બદલી નાંખ્યું. વરસોથી જામેલી કોંગ્રેસને ઉખાડી ફેંકી. તેમના જમાઈ ચંદ્રાબાબુ નાયડુ તેમના રાજકીય વારસાના જોરે જ આગળ આવ્યા છે. આંધ્રમાં એન.ટી. રામારાવે જે પ્રભાવ ઉભો કર્યો તેવો પ્રભાવ બીજો કોઈ સપર સ્ટાર ઉભો નથી કરી શક્યો. રામારાવ ત્રણ વાર આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા ને કુલ સાત વર્ષ જ મુખ્યમંત્રી રહ્યા. તેમના જમાઈ અને હાલના આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ બગાવત કરી પછી તેમની રાજકીય કારકિર્દીનાં વળતાં પાણી શરૂ થયાં પણ તેમણે બનાવલો પક્ષ ટીડીપી આજેય મજબૂત છે. આંધ્ર પ્રદેશમાં તો ટીડીપીની સરકાર છે જ પણ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પણ ટીડીપીના ટેકે ટકેલી છે. વિજયની પાર્ટી આવો પ્રભાવ ઉભો કરી શકે છે કે નહીં એ જોઈએ. sanjogpurti@gmail.com