અમરેલીના ચાડિયા ગામે રહેતા રમેશભાઈ બાવચંદભાઈ બાજરીયા (ઉં.વ.૪૨)એ દક્ષાબેન વિઠ્ઠલભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાની ભાઈભાગમાં આવતી જમીનમાં ચણતર કામ કરી રહ્યા હતા, જે સામેના પક્ષને ગમ્યું નહોતું. આ બાબતે અગાઉ પણ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે અંગે તેમણે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. આ પોલીસ અરજીનું મનદુઃખ રાખીને સામેવાળાએ ફરી વિવાદ કર્યો હતો.
સામે પક્ષે તેમને દીવાલ ચણવાની ના પાડી ગાળાગાળી શરૂ કરી હતી. મામલો બિચકતા પ્લાસ્ટિકના ધોકા વડે રમેશભાઈના વાંસાના ભાગે હુમલો કરી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ. જે. ગોંડલિયા વધુ તપાસ કરી રહ્યા છે.









































