રાખનાં રમકડાં

આમ આવી બધી વાતો કરતાં કરતાં મા-દીકરાએ જમવાનું પૂરું કર્યું. જમીને તરત જ પહેલાંની ટેવ પ્રમાણે દામો તો હિંડોળા પર બેસી ગયો. તમાકુની ડબ્બી કાઢી તે તમાકુ ચોળવા લાગ્યો, અને ત્યારે બા તો રસોડાના કામમાં લાગી ગયાં હતાં.
હવે રાતના સાડા દસ થયા એટલે બા એ જ કહ્યું ઃ “હવે પથારીમાં લાંબા થઈએ તો સારું લાગે, અને હા તું તારા વિચારો થોડા ઓછા કરજે. મગજ ઉપર વધારે ભાર આવે તો બધું જ વિખાઈ જાય. સારી ઊંઘ આવે તો બધા જ રોગો દૂર ભાગે છે. જા…, હવે તું આરામ કર…”
બા…ના આવા શબ્દો આશ્વાસન જરૂર આપે પરંતુ એવું બધું શક્ય થઈ શકે…? દામાએ તેને ખુદને જ પ્રશ્ન કર્યો, ને થોડીવાર પછી તે ઊભો થયો એટલે બા… પણ ઊભાં થયાં. દામો રૂમમાં દાખલ થયો ને બા તેના રૂમમાં ચાલ્યાં ગયાં.
દામો જેવો રૂમમાં દાખલ થયો એ સાથે તો અસંખ્ય યાદો બળજબરીથી તેના મગજમાં ઊભરી આવી. એક પછી એક એમ અનેક દશ્યો તેની નજર સામે નાચ કરવા લાગ્યા જાણે. આ એ જ રૂમ હતો જેમાં જ્યોતિએ પાંચેક મહિના વસવાટ કર્યો હતો. આ રૂમમાં જ તે ઊંઘતી, નાહતી ને તૈયાર થતી. હા, આ એ રૂમ હતો કે જ્યાં સૂંવાળા સંબંધોની આડમાં જ્યોતિએ તેનું લચીલું એવું આખેઆખું શરીર સ્વેચ્છાએ દામાને મન મૂકીને અર્પણ કરી દીધું હતું. એટલે આજે તો અનેક યાદોના અનેક ચિત્રો એક પછી એક એમ તેની નજર સામે તરવરવા માંડ્‌યા.
મોડી રાતે દામાની આંખો અનેક સપનાંઓ સાથે માંડ માંડ બંધ થઈ. પછી તો સપનાઓમાં પણ જાણે આગ સળગવા લાગી, સપનાંઓ જાણે સંતાકૂકડીની રમત રમતાં રમતાં એની મેળે જ સળગવા લાગ્યા. ને પછી તો એક સમયે જ્યોતિનો એ કોમળ અને સુંદર ચહેરો પણ દામાએ તેની નજરે સળગતો જોયો. ને પછી, થોડીવારે એવો ભયાનક અને કદરૂપો ચહેરો હવે દામાને ભયમુક્ત દેખાયો, આવું દશ્ય જોતાં જ દામાએ ભરઊંઘમાં ત્રાડ પાડી ઃ “નહીં…! નહીં…!! નહીં…!!!” વહેલી સવારે દામો ઉઠ્‌યો ત્યારે તેનું આખું શરીર ખૂબ દુખતું હતું. આજે આમ તો રજાનો દિવસ હતો એટલે બા પાસે રોકાવાનો ખૂબ જ સારો યોગ થયો હતો. સવાર સવારમાં નાહી પરવારીને તે તૈયાર થયો. બા પણ તેના રોજના નિયમ પ્રમાણે વહેલાં જ ઉઠી ગયાં હતાં. એટલે ચા-પાણી પી લીધા પછી દામાએ કહ્યું: “બા…, હું થોડીવાર બહાર… ગામમાં ચક્કર મારું તો મને ગમશે. આમ પણ મારે માવો ખાવા તો ગલ્લે જવું જ પડશે. એ ચક્કર મારીને થોડીવારમાં જ પાછો આવું છું…”
“સારું… તું બહાર આંટો મારી આવ. ઘરમાં પણ આમેય તારે ક્યાં કઈ કામ છે? જા… તું તારે નિરાંતે આવજે…” બાએ કહ્યું.
હવે દામો ડેલી બહાર નીકળ્યો. ચાલીને સીધો જ તે પેલા પાનના ગલ્લે પહોંચ્યો. આજે તેણે માવો નહીં પરંતુ તેજ તમાકુવાળું પાન ખાધું. કોઈ દિવસ નહીં પણ આજે તેને પાન ખાવાની ઈચ્છા થઈ આવી હતી. રવિવારે લાયબ્રેરીએ જવાનું તેનું મન હતું નહીં એટલે તેના પગ ભૂતનાથ તરફ વળ્યા. ભૂતનાથ મહાદેવના દર્શન કરી તે બગીચામાં એક બાંકડા પર નિરાંતે બેઠો. સાચી શાંતિ તેને અહીં આ જગ્યાએ મળી. એટલે ખાસો તે બેઠો રહ્યો. પછી ઊભો થયો ને ધીમે ધીમે ચાલીને હવે ઘર તરફ ચાલવા લાગ્યો.
અંદાજે દોઢેક કલાક પછી દામાએ ઘરની ડેલીમાં પગ મૂક્યો ત્યાં તો તેના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ડેલીમાં પગ મૂકતાં જ ઘડીભર તો તે થંભી ગયો, તેને ખૂબ જ અચંબો થયો. સાથે સાથે તે એટલો બધો ખુશ થયો હતો કે ન પૂછો વાત! કારણ કે હિંડોળા પર બેઠેલી વ્યક્તિ બીજી કોઈ નહીં પણ એ રણમલ જાડેજા હતો. દામાનો જીગરી દોસ્ત! લંગોટિયો મિત્ર.
પછી તો રણમલને જોતાં જ દામાએ જબરી દોટ મૂકી. ઝડપથી ઓસરીનાં પગથિયાં ચડી રણમલને ગળે વળગી જ પડ્‌યો. ત્યારે રણમલે પણ દામાની પીઠ જોરથી થાબડી. ને આવું થતાંની સાથે દામાનું હૈયું હરખથી ભરાઈ આવ્યું. ઘણી ઘણી કોશિશ કરવા છતાં દામાની આંખો ભીની થયા વગર ન રહી તે ન જ રહી. એટલે તો તે થોડીવાર કશું પણ… એક શબ્દ પણ બોલી ન શક્યો.
“ગાંડા…, તું ક્યારે આવ્યો…?” રણમલે દામાને પૂછ્યું.
“ગઈકાલે બપોરના ત્રણ વાગ્યે…” કહી દામાએ સ્વસ્થ થઈ જવાબ આપ્યો.
(ક્રમશઃ)