આપણા પૌરાણિક ભજનોમાં ભક્ત માટે મન, કર્મ અને વાણીથી નિર્મળ રહેવાનો ઉપદેશ ગવાયો છે. મૌન બીના સુખ નાહી…. બોલનહારા કભી નહિ સુખિયા… ચુપ સમ ઔષધ નાહી… મૌન એ યોગ છે. સંયમની કસોટી છે. યોગ અને સંયમ આપણે સાધુઓને હવાલે મૂકી દીધા છે. યોગી સંબોધન આપણે સાધુઓ માટે કરીએ છીએ. મૌન એ માત્ર જીભ બત્રીસી વચ્ચે ઘાલી રાખવી માત્ર નથી. મૌન એ વાણીનો ઉપવાસ છે. જેમ ભોજનનો ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે, અન્નનળી અને હોજરી જેવા અવયવોની કાર્યક્ષમતા બરકરાર રહે છે અને સુધરે છે એમ મૌનથી મન, ચિત અને અંતરાત્માને આરામ મળે છે અને તેની શક્તિ વધે છે. ગાંધીજી અઠવાડિયામાં એક દિવસ મૌન રાખતા. ભારતના ભાગલા અંગે માઉન્ટબેટન સાથે ચર્ચા કરવા ગયેલા ત્યારે પણ બાપુએ મૌન નહોતું તોડ્યું. વિવેચકોએ અને ઘણા ઈતિહાસકારોએ નોંધ્યું છે કે ગાંધીજીનું ત્યારનું ભારતની પ્રજાના પ્રતિનિધિ તરીકેનું મૌન મોંઘુ પડ્યું છે. માઉન્ટબેટને પણ ગાંધીજીનું મૌન હોવાથી ચિઠ્ઠી ચબરખીની રાહે ચર્ચા થવાની હોવાથી રાહતનો શ્વાસ લીધેલો. એ જાણતા હતા કે દલીલોમાં એ ડોસાને હરાવવા મુશ્કેલ હતા.
રાજકીય જીવનમાં સારી વકતૃત્વ શક્તિ એક મહત્વની જરૂરિયાત અને ગુણ છે. બોલીને બોર વેચવાનો આ વ્યવસાય છે જ્યાં અસ્ખલિત વાક્પ્રવાહની મોહિની પ્રજા પર કામદેવ સમ ભૂરકી છાંટી રાખે છે. સભા મંડપમાં બોલવા માટે ઉભા થતા વક્તાને કિકિયારીથી વધાવતા પ્રેક્ષકો, દર્શકો વક્તાનો એવોર્ડ છે, કમાણી છે. જેના સભામંડપો મેદનીથી છલકાતા રહે છે એવા શબ્દોના તાંતણે બાંધી ખેંચી રાખતા નેતાઓની રાજકીય કારકિર્દી લાંબી રહે છે. કારણ કે એ મેદની પછીથી એ નેતા માટે મતદાન માટે પણ લાઈનો લગાવતી રહે છે. બીજી તરફ ઓછું કામ કરતા નેતાઓ સારી જીભને લઈને વૈતરણી તરી જતા હોય છે. જેમ નબળું ઉત્પાદન સારા રેપરથી સજાવીને દુકાનમાં મુકવાથી વેચાય જાય છે એમ અહી સીધો સેલ્સમેનશીપ નો સિધ્ધાંત લાગુ પાડી શકાય કે નબળી પ્રોડક્ટ પણ સારા માર્કેટિંગ થકી વેચી શકાય છે અને તેનું બજાર ટકાવી શકાય છે. સારું કામ કરતા અને સારું બોલતા આમાં અપવાદ છે. એ બ્રાંડ વેલ્યુ પર વેચતા ઉત્પાદન જેવા છે. એ સારું બોલી શકે છે કારણ કે એ સારું કરે છે. કથની અને કરણીમાં ફરક ના હોય ત્યારે સામા છેડાને સમજૂત કરવા માટે જૂઠનો સહારો નથી લેવો પડતો. એમાં તમે જે કરો છો એ બોલી નાખો એટલે સારું જ નીપજે, અને પ્રજાને સારું જ લાગે કારણકે એ મૂળતઃ સારું હોય છે. આમાં કર્કશ શબ્દો પણ મીઠા લાગે છે. ઉપજાવી કાઢીને બોલવા માટે ખોટું બોલવાની કળા હસ્તગત હોવી જોઈએ. ત્રીજો વર્ગ છે એ નાટકમા આવતા વિદુષકની કક્ષાનો છે. એની કરણી કંઈ હોતી નથી. એણે બીજાએ લખી દીધેલ સ્ક્રીપ્ટ વાંચવાની હોય છે. એણે અન્યને ગાળો આપીને કોઈ વર્ગને ખુશ કરવો પડે છે. નાટકના મુખ્ય પાત્રોની જેમ સ્ક્રીપ્ટમા એમનો કશો રોલ લખેલો હોતો નથી. લાઉડ સ્પીકર સામે ઉભા રહીને દર્શકોના મૂડ પ્રમાણે બોલવાનું હોય છે, અને એમનું મનોરંજન કરવાનું હોય છે જેથી રાજનીતિ જેવું ભારે નાટક હળવું બની રહે અને પોતાની દુકાન ચાલતી રહે.
માઇક સામે ઉભા રહીને સામે બેઠેલાઓની સંખ્યા જોઇને કે પોતાની જાતને કે પક્ષને રજુ કરવા માટે કે પક્ષની ઉપલી કેડરની ચાપલુસી કરવા માટે કે સામેવાળાને ઉતારી પાડવા માટે ઘણી વખત ના બોલવાનું બોલાઈ જતું હોય છે. ગુજરાતી ભાષામાં એના માટે જીભ લપસી પડવી જેવું રૂપક વપરાય છે જેને અંગ્રેજીમાં સ્લીપ ઓફ ટંગ કહેવાય છે. વધુ પડતું અને બિન જરૂરી બોલવામાથી બચવું એ વાણીનો સંયમ છે. એ અર્ધમૌનની અવસ્થા છે. અંગ્રેજીમા માઈન્ડ યોર લેન્ગવેજ જેવો વાક્ય પ્રયોગ છે, માઇન્ડ યોર ટંગ નથી. જે સંભાળવાનું છે એ શબ્દો છે. અહી આંધળા માટે સુરદાસ શબ્દ પ્રયોગ કરવાની વાત છે. એક વાક્ય કે શબ્દ કારકિર્દીમાં એવો ડાઘ લગાવી શકે છે જેને ધોવા માટે કોઈ રાજકીય ડીટરજન્ટ ઉપલબ્ધ નથી. અને એક સ્પીચ, વાક્ય કે શબ્દ તમને ઇતિહાસમાં અમર કરી દે છે. તમારા શબ્દોમાં તમે વર્ષો સુધી જીવી શકો છો કારણકે શબ્દોનું આયુષ્ય માણસ કરતા વધારે છે. શબ્દોથી સર્જાયેલા કુરુક્ષેત્ર પછીથી ભગવાન વિષ્ટિકાર બને તો પણ નથી ટાળી શકાતા. બોલેલ શબ્દ કમાન થી છુટેલ તીર છે. એટલે જ તો કહ્યું છે કે ત્રણ ચીજ ક્યારેય પછી નથી આવતી.. તીર કમાનથી, વાણી જીભથી અને સમય હાથથી. ડાહ્યો માણસ જરૂરી હોય એટલું જ બોલે છે. જે નથી બોલવાના એ શબ્દો બોલાય જાય તો એની અસર જાણે છે. જાહેર જીવનમાં કર્મ અને મૌનથી અપાતો જવાબ શાબ્દિક જવાબથી ચડિયાતો છે. આક્ષેપ કરતા સામા પક્ષની સામે તમે કામ કરીને કે મૌન સેવીને એમનો તેજોવધ કરી શકો છો. કામ કરીને સામાવાળાને મૂંગા કરી શકાય છે અથવા તો મૌન રહીને સામેવાળાને માથા પછાડવા માટે મજબૂર કરી શકાય છે. એ માટે અભૂતપૂર્વ સંયમ અને ધેર્યની જરૂરિયાત રહે છે. ગાળો ખાવાની તૈયારી રાખવી પડે છે. ભસવાનો જવાબ ભસીને આપવાથી બંને પક્ષોની જાતિ એક થઇ જાય છે. પછીથી પ્રજા બંનેમાં કાઈ ફરક કે નસ્લભેદ નથી જોતી. જેની વારેવારે જીભ લપસતી રહે છે એની કારકિર્દી પણ લપસતી રહે છે.
પ્રાંતિક ધારાસભાઓના મતો આવ્યા બાદ ગાંધીજીએ બોલાવેલી બેઠકમાં જવાહરલાલે કોંગ્રેસ પ્રમુખપદ માટે પોતાને જરૂરી મતો નહિ મળવાથી મૌન ધારણ કરી લીધું અને સરદાર તથા બાપુ એ મૌનનો મતલબ સમજી ગયા. એ મૌનના ફળસ્વરૂપે જવાહરલાલને આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી થવાનું સદભાગ્ય સાંપડ્યું. આદર્શ સમયે ધારણ કરી લીધેલું મૌન તમને ભારતના વડાપ્રધાન બનાવી મુકવાની તાકાત રાખે છે.
ક્વિક નોટ – શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કો હાથ ના પાંવ, એક શબ્દ ઔષધ કરે દુસરા કરે ઘાવ.











































