(૧)સમસ્યાઓનું નિવારણ કરવામા સમસ્યા આવે તો શું કરવું?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
બન્ને સમસ્યાને અપનાવી લેવી. એકબીજીથી કંટાળીને બન્ને જતી રહેશે.
(૨)સાહેબ..! પાઘડીનો વળ છેડે જ કેમ આવે..? – ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
વચ્ચે પણ આવી શકે, પણ ત્યારે એને ગાંઠ કહેવાય.
(૩)ગપ્પા મારવા માટેનો યોગ્ય સમય કયો? – ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
આવશે ત્યારે ફોન કરીશ.
(૪)સૌથી શ્રેષ્ઠ દાન કયું? – રક્ષિત વોરા ક્ષિતિજ (ગાંધીનગર)
મને આપવામાં આવેલું.
(૫)અક્કલમઠ્ઠા અને અક્કલના ઓથમીરમાં શું તફાવત? – જીગર યાદવ ગુરુ (દાત્રાણા-પાટણ)
મઠ્ઠા અને કોથમીર જેટલો.
(૬)મફતમાં ખાઇ શકાય એવી દસ વસ્તુના નામ લખજો.
દા.ત. બગાસું. – બાલુભાઈ કિકાણી (લીલિયા)
બગાસાંથી ચલાવો. બહુ મફતનું ખાવું સારું નહી.
(૭)પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થાય છે તેની તમને ચિંતા થાય છે કે નહિ?
રાજુ એન. જોષી (ધરાઈ બાલમુકુંદ)
પેટ્રોલપંપે જાઉં ત્યારે થાય.પછી મટી જાય.
(૮)ઘરે મહેમાન તો આવી ગયા છે; કાગડો હજુ પણ બોલે છે. શું કરવું ? – કનુભાઈ પરમાર (દામનગર)
આ મહેમાને પાળેલો કાગડો લાગે છે. એટલે એનો કેસ મહેમાનને જ સોંપો.
(૯)ઘાંઘા થવું એટલે શું?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
આ કોલમમાં તમારા સવાલનો જવાબ આવ્યો છે કે નહિ એ જાણવા તમે દસ પંદર સેકન્ડ જે કર્યું એને ઘાંઘા થયા એમ કહેવાય.
(૧૦)દવાદારૂ શબ્દ એકસાથે કેમ બોલાય છે?
રમાબેન પટેલ (અમદાવાદ)
બન્ને લાંબાગાળે ઘર ખાલી કરી નાખે છે એટલે.
(૧૧)માથામાં ટાલ હોવાનો કોઈ ફાયદો ખરો? – દર્શન પટેલ (વડોદરા)
હા, ટોલા ન પડે.
(૧૨)ચોમાસા બાબતે આ વખતે આપનું શું કહેવું છે?
જય દવે (ભાવનગર)
લખી રાખો કે આ વરસે દેશભરમાં ઓછામાં ઓછી બે ડઝન છત્રી કાગડો થઈ જશે.
(૧૩)તમારે ત્યાં વસતિ ગણતરી કરવા આવ્યા ત્યારે તમને કેવો અનુભવ થયો?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
મને એમ થયું કે એ આ કોલમ માટે સવાલ પૂછે છે!
(૧૪)સાચો પ્રેમ કોને કહેવાય?
રામભાઈ પટેલ (સુરત)
જેની આગળ ‘સાચો’ શબ્દ ન લગાવવો પડે એને.
(૧૫)કોઈનું સન્માન થતું હોય અને દર્શકો તાળીઓ ન પાડે ત્યારે સન્માન થતું હોય એ શું વિચારતો હશે?
પ્રકાશભાઈ જોશી (અમરેલી)
એવા નર રે નુગરાની સાથે નેડલો ના કરીએ રે જી.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..