અમરેલી જિલ્લાના ધારી ખાતે યોજાયેલી રમતગમત સ્પર્ધામાં ચલાલાની દીકરીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. ધારી મુકામે યોજાયેલી ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતો અંતર્ગત તાલુકા કક્ષાની અંડર-૧૪ ગર્લ્સ કબડ્ડી સ્પર્ધામાં યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ – ચલાલા સંચાલિત રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ડા. રતિદાદાના આશીર્વાદ અને ભારતભૂષણ મહેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ચાલતી આ શાળામાં અભ્યાસની સાથે દીકરીઓમાં ખેલદિલી અને શિસ્ત ખીલે તે માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. શાળાના PTI હેતલબેન બારૈયાની આકરી મહેનત અને યોગ્ય તાલીમને લીધે બહેનોએ આ સિધ્ધિ મેળવી છે. વિજેતા ટીમને ટ્રસ્ટીગણ, આચાર્ય, સ્ટાફ તેમજ વાલીઓએ અભિનંદન સહ જિલ્લા કક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.