બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામમાં એક જ રાત દરમિયાન તસ્કરોએ ચોરીનો તરખાટ મચાવતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. તસ્કરોએ દુકાનો, રહેણાંક મકાનો તેમજ રામજી મંદિર સહિત અનેક સ્થળોને નિશાન બનાવી તાળા તોડી નાખ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ ૧૦થી વધુ સ્થળોએ ચોરી અથવા ચોરીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઘટનાને લઈને ગામલોકોમાં ભારે રોષ ફેલાયો છે. નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં બુકાનીધારી તસ્કરો બજારમાં ફરતા જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. ધારીના એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે ગામમાં બેથી ત્રણ સ્થળોએ ચોરી થઈ છે, જ્યારે અન્ય સ્થળોએ માત્ર તાળા તોડવામાં આવ્યા છે. પ્રાથમિક અંદાજ મુજબ આશરે ૪ લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.