અમરેલી પંથકમાં લાંબા સમયથી મોટા ઉદ્યોગોના અભાવે રોજગારીની સમસ્યા સર્જાઈ રહી હતી. સ્થાનિક યુવાનોને રોજગાર માટે અન્ય શહેરોમાં સ્થળાંતર કરવું પડતું હોવાથી લોકો દ્વારા અનેક વખત લોકપ્રતિનિધિઓ અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. હવે રાજ્ય સરકારે અમરેલી તાલુકાના શેડુભાર ગામ નજીક ૨૫ હેક્ટર સરકારી જમીન પર ઔદ્યોગિક વસાહત સ્થાપવાની મંજૂરી આપતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયથી આગામી સમયમાં મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઉભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રયાસોના પરિણામે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હાલમાં આ જમીન પર બાવળની ઝાડીઓ છે, પરંતુ આગામી સમયમાં અહીં આધુનિક ઔદ્યોગિક વિસ્તાર વિકસાવવામાં આવશે. રાજ્યની ઔદ્યોગિક વિકાસ સંસ્થા દ્વારા ઉદ્યોગો માટે જરૂરી જમીન, રસ્તા, વીજળી, પાણી, ગટર સહિતની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જેના કારણે વિવિધ પ્રકારના ઉદ્યોગો સ્થાપિત થઈ શકશે.ઔદ્યોગિક વિસ્તાર શરૂ થતાં સ્થાનિક યુવાનોને પોતાના જિલ્લામાં જ રોજગારી મળવાની શક્યતા વધશે અને મહાનગરો તરફનું સ્થળાંતર ઘટશે. સાથે સાથે પરિવહન, પેકિંગ, મશીન મરામત, માલ સંગ્રહ અને અન્ય સહાયક વ્યવસાયોને પણ પ્રોત્સાહન મળશે. વિસ્તારના રસ્તા, વીજળી અને અન્ય જાહેર સુવિધાઓમાં સુધારો થશે તેમજ આસપાસની જમીન અને મિલકતોની માંગમાં વધારો થવાની શક્યતા છે. ઉદ્યોગોના વિકાસથી સરકારની આવકમાં પણ વધારો થશે, જેના પરિણામે વિકાસના વધુ કાર્યોને વેગ મળશે અને અમરેલી જિલ્લાનું સ્થાનિક અર્થતંત્ર વધુ મજબૂત બનશે.
જીઆઈડીસીની સ્થાપનાથી નવી રોજગારીની તક ખુલશે
અમરેલી તાલુકાના શેડુભાર નજીક GIDCની સ્થાપના થવાથી સમગ્ર વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક યુવાનોને વિવિધ ઉદ્યોગોમાં નોકરી મળવાની સાથે સુરક્ષા, ડ્રાઇવિંગ, હાઉસકીપિંગ, મેન્ટેનન્સ અને અન્ય સહાયક સેવાઓમાં પણ રોજગારનું સર્જન થશે. ઉદ્યોગોના વિકાસ સાથે ચા-નાસ્તાની દુકાનો, હોટલો, ટ્રાન્સપોર્ટ, ગેરેજ, હાર્ડવેર, સ્ટેશનરી સહિતના નાના વેપારીઓને પણ સારો વ્યવસાય મળવાની સંભાવના છે. GIDCના વિકાસથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે અને આસપાસના ગામોના લોકો માટે આવકના નવા સ્ત્રોત ઊભા થશે.





































