ધારી તાલુકાના દિતલા ગામે શેલ નદીના કાંઠે આવેલા દેવાંગી આશ્રમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ “પ્રાકૃતિક કૃષિ અને અંગદાન મહાદાન” વિષય પર પરિસંવાદ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બાગાયત અધિકારીઓ દ્વારા આંબાની ખેતી, રોગ-જીવાત નિયંત્રણ, ગુણવત્તાયુક્ત ઉત્પાદન, ઔષધીય ખેતી અને બજાર વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા પ્રાકૃતિક ખેતીના ફાયદા, જમીનની ફળદ્રુપતા જાળવણી તથા ખેતી ખર્ચમાં ઘટાડા અંગે માહિતી અપાઈ હતી. સાંસદ ભરતભાઈ સુતરીયા અને ગુજરાત રાજ્ય નાણા આયોગના સભ્ય અભેસિંહજી ચૌહાણે ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત આગેવાનો અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અંગદાન મહાદાન અંગે જાગૃતિ ફેલાવતા ૧૦ ખેડૂતોએ અંગદાનનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમનું આયોજન નમો ઔષધીય, મિલેટ અને પ્રાકૃતિક ખેત ઉત્પાદન સહકારી મંડળીના પ્રમુખ હિરેન હિરપરાના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.