પોષણ ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત સાવરકુંડલા ઘટક-૧ માં “સામુદાયિક જવાબદારી પોષણ ઉત્સવ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પોષણને માત્ર પરિવાર પૂરતું સીમિત ન રાખી સમગ્ર સમાજની સહિયારી જવાબદારી બનાવવાનો છે.આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓના સંતુલિત આહાર, સ્વચ્છતા તથા આરોગ્ય સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત, સ્વસહાય જૂથો (SHG) અને જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે પોષણ સેવાઓ અને આંગણવાડીની કામગીરીમાં સામુદાયિક ભાગીદારી વધારવા અંગે ચર્ચા થઈ હતી.આ ઉપરાંત, જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી હરીફાઈ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો, વાલીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી “સારા પોષણ માટે સૌની સહભાગિતા”નો સંદેશ વહેતો કર્યો હતો.


































