ખેડા જિલ્લા શિક્ષણ વિભાગમાં વધુ એક મોટું કૌભાંડ બહાર આવતાં શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. નિયમોને સરેઆમ નેવે મૂકીને જિલ્લાના ૫૧ જેટલા પ્રાથમિક શિક્ષકોએ ગેરરીતિ આચરીને લીવ ટ્રાવેલ કન્સેસન (એલટીસી) નો બિનઅધિકૃત આર્થિક લાભ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ અને વર્ષ ૨૦૨૪ થી ૨૦૨૭ ના સમયગાળા દરમિયાન આચરવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જેમાં હજારો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હોવાની આશંકા છે.
આ ગેરરીતિમાં સામાન્ય શિક્ષકો જ નહીં, પરંતુ રાજ્ય પ્રાથમિક શૈક્ષણિક સંઘના મોટા અને પ્રભાવશાળી હોદ્દેદારોએ પણ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી આર્થિક લાભ મેળવ્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે મામલતદારના અધિકૃત હુકમો કે મંજૂરી વિના જ સર્વિસ બુક માં ખોટી નોંધ કરીને આ લાભ મેળવવામાં આવ્યો છે.આ ગંભીર મામલે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ માટે ઠાસરા અને કઠલાલના તાલુકા વિકાસ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. આ મામલે તાલુકા શિક્ષણ અધિકારી નિલેશભાઈ પટેલ દ્વારા પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય કર્મચારીઓ અને નેતાઓ પર કાયદાકીય ગાજ વરસે તેવી પૂરી શક્યતા છે.