સાવલી તાલુકાના કરચીયા ગામની સીમમાં થયેલી ૬૬ વર્ષીય વૃદ્ધની નૃશંસ હત્યાનો વડોદરા જિલ્લા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. માત્ર દમણ ફરવા જવા, નવા કપડાં અને બૂટ ખરીદવાના શોખ પૂરા કરવા માટે એક ૧૭ વર્ષીય સગીરે બે બકરાંની ચોરી કરી વૃદ્ધની હત્યા કરી નાખી હતી. પોલીસે ગુનામાં વપરાયેલા હથિયાર અને ચોરીના પૈસાથી ખરીદેલી વસ્તુઓ જપ્ત કરી સગીર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગત ૧૭ જુલાઈના રોજ ગોધરા ગ્રામ્યના સાતરોડ પોલીસ સ્ટેશન હસ્તકના વિસ્તારમાંથી ઠાસરાના રહેવાસી ૬૬ વર્ષીય રમણ રાઠોડિયાનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. તેમના માથાના ભાગે તીક્ષ્ણ અને ભારે હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જાઈ વડોદરા જિલ્લા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીન ઓફ ક્રાઈમની મુલાકાત દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી લોહીવાળી એક શંકાસ્પદ લાકડી મળી આવી હતી, જેણે પોલીસને આરોપી સુધી પહોંચાડવામાં મહત્વની કડી પૂરી પાડી હતી. જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે અમને કરચીયા ગામની સીમમાંથી ૬૬ વર્ષીય વૃદ્ધની લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી લોહીવાળી લાકડી મળી હતી. ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ કરતા ૧૭ વર્ષીય સગીરની સંડોવણી સામે આવી છે.
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ૧૭ વર્ષીય સગીરને દમણ ફરવા જવું હતું અને તેના માટે નવો સ્માર્ટફોન, બૂટ તથા નવા કપડાં ખરીદવા હતા. પરિવારે પૂરતા પૈસા ન આપતા તેણે ગુનાનો માર્ગ અપનાવ્યો. સીમમાં રમણભાઈને એકલા જાઈને સગીરે તેમના પર લાકડીથી હુમલો કરી તેમની હત્યા કરી દીધી અને તેમની પાસે રહેલા બે બકરાંની ચોરી કરી લીધી. આ ચોરાયેલા બકરાં તેણે એક વેપારીને ૯,૩૦૦ રૂપિયામાં વેચી દીધા હતા અને એ જ પૈસાથી નવા બૂટ-કપડાં ખરીદીને દમણની સફર પણ કરી આવ્યો હતો.માત્ર ધોરણ-૮ સુધી ભણેલા આ સગીરના ક્ષણિક શોખ અને લાલચે એક નિર્દોષ વૃદ્ધનો જીવ લઈ લીધો. હાલ તો પોલીસે સમગ્ર મામલે તમામ પુરાવા જપ્ત કરી આરોપી સગીર વિરુદ્ધ આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.







































