વિસનગરઃ ઊંઝામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને પેંડાની લાલચ આપી શારીરિક છેડતી કરવાના ગંભીર ગુનામાં વિસનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે એક ઐતિહાસિક અને કડક ચુકાદો સંભળાવ્યો છે. અદાલતે ૬૯ વર્ષના વૃદ્ધ આરોપીને દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૩૭,૦૦૦નો દંડ ફટકાર્યો છે. આ સાથે જ પીડિત બાળકીને લીગલ સર્વિસ ઓથોરિટીમાંથી રૂપિયા ૫ લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ મહત્વનો આદેશ કર્યો છે.
આ ચકચારી કેસની વિગત એવી છે કે, ઊંઝા ખાતે રહેતી પાંચ વર્ષ અને ૨૦ દિવસની બાળકી આરોપી રોશનલાલ ખત્રીના ઘર સામે રમી રહી હતી. આ દરમિયાન માસૂમ વયનો ગેરલાભ ઉઠાવી આરોપીએ તેને પેંડો આપવાની લાલચ આપી પોતાના ઘરમાં બોલાવી લીધી હતી. ઘરમાં લઈ જઈ આરોપીએ બાળકીને પલંગ પર સુવડાવી તેની સાથે અડપલાં કરી ગુપ્ત ભાગે ઈજાઓ પહોંચાડી હતી.
આ અમાનવીય કૃત્ય બાદ બાળકીને અસહ્ય દુખાવો ઉપડતા તેણે ઘરે જઈ પિતાને આપવીતી જણાવી હતી. પિતાએ માતાને વાકેફ કર્યા બાદ માસૂમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી અને નરાધમ વૃદ્ધ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અદાલતમાં કેસ ચાલવા ઉપર આવતા સરકારી વકીલ અશોકભાઈ એસ. મકવાણાએ ધારદાર દલીલો સાથે મેડિકલ, મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓનો મજબૂત ગંજ ખડક્્યો હતો.
તબીબી તપાસમાં બાળકીના શરીર પર થયેલી ઈજાઓ પુરવાર થઈ હતી, જે કેસની સૌથી મોટી કડી બની હતી. આ ઉપરાંત, ભોગ બનનાર માસૂમ બાળકીએ કોઈ પણ ડર વગર કોર્ટ સમક્ષ સોગંદનામા પર આપેલી જુબાની અને મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ ૧૬૪ હેઠળ નોંધાયેલું નિવેદન આરોપીનો ગુનો સાબિત કરવામાં નિર્ણાયક નીવડ્યા હતા.
કોર્ટે સરકાર પક્ષના તમામ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી અવલોકન કર્યું હતું કે, સમાજમાં માસૂમ બાળકોની સુરક્ષા સર્વોપરી છે. આવા જઘન્ય અપરાધમાં ઉંમર પ્રત્યે કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ દાખવી શકાય નહીં. અંતે ન્યાયાધીશે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલતો કડક સજાનો હુકમ સંભળાવી સમાજમાં દાખલો બેસાડ્યો છે.








































