લીલીયા તાલુકાના નાના લીલીયા ગામે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લો પડેલો શૌચાલયનો કૂવો બે નિર્દોષ ભેંસો માટે જીવલેણ સાબિત થયો હતો. સદનસીબે, સ્થાનિક લોકોની સતર્કતા અને ક્રેઇનની મદદથી ભારે જહેમત બાદ બંને સાંકડા કૂવામાં ફસાયેલી ભેંસોને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી.આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્‌યાં હતાં અને કલાકોની મહેનત બાદ રેસ્ક્યૂ ઓપરેશન સફળ રહ્યું હતું. ગામના પશુઓ ચરવા માટે આ વિસ્તારમાં આવતા હોવાથી અકસ્માતનો ભય સતત રહે છે. જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તે માટે નાના લીલીયા તાલુકા પંચાયતના સદસ્ય રણજીતભાઈ ખુમાણે પાણી પુરવઠા વિભાગને લેખિત પત્ર પાઠવી આ કૂવાને વહેલી તકે ઢાંકવાની તીવ્ર માંગ કરી છે.