બાબરા સ્થિત બેંક ઓફ બરોડાની શાખાના એક ખાતામાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી, ઇન્ટરનેટ બેંકિંગ મારફતે અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી અંગત વપરાશ માટે સગેવગે કરવાનો ગંભીર ગુનો સામે આવ્યો છે.આરોપી અરવિંદભાઇ ભીખુભાઇ સોલંકીએ આ બેંક એકાઉન્ટમાં અલગ-અલગ બે ટ્રાન્ઝેક્શન દ્વારા સાયબર ફ્રોડની રકમ મેળવી હતી. જેમાં તારીખ ૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ રૂ. ૧,૦૦,૦૦૦ તથા અગાઉ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ સાયબર અરજી સંદર્ભે રૂ. ૧૦૦ મળીને કુલ રૂ. ૧,૦૦,૧૦૦ જમા થયા હતા. આરોપીએ આર્થિક ફાયદો મેળવવાના ઈરાદાથી આ રકમ પોતાના ખાતામાં મેળવ્યા બાદ ઈન્ટરનેટ બેંકિંગથી અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી અંગત કામ માટે વાપરી નાખી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








































