શહેરના શાહઆલમ વિસ્તારમાં ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે છેલ્લા એક વર્ષથી વારંવાર દુષ્કર્મ આચર્યાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે ઈસનપુર પોલીસે ફરિયાદ નોંધી ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે અને સમગ્ર કેસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.સિક્યોરિટી સિસ્ટમ લગાવો
પોલીસ ફરિયાદ મુજબ, આરોપી ઈમ્તિયાઝ શેખ શાહઆલમ વિસ્તારમાં રહેતી સગીરાના પાડોશમાં આવેલા તેના મામાના ઘરે આવતો-જતો હતો. આ દરમિયાન તેની સગીરા સાથે ઓળખાણ થઈ હતી. આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, આ સિલસિલો આશરે એક વર્ષ સુધી ચાલ્યો હતો.
ફરિયાદ મુજબ, સમગ્ર ઘટનાથી કંટાળેલી સગીરાએ અંતે ૧૬ સપ્ટેમ્બરના રોજ પોતાની માતાને હકીકત જણાવી હતી. દીકરી પાસેથી સમગ્ર વાત જાણ્યા બાદ માતાએ આરોપીના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. જાકે, આરોપીના પરિવારજનો સગીરાના પરિવારની વાત સ્વીકારવા તૈયાર ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પરિવારજનો તરફથી આરોપીના પરિવારને જાણ કર્યા બાદ પણ મામલો ઉકેલાયો ન હોવાથી આખરે સગીરાની માતાએ ઈસનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ઈસનપુર પોલીસે ફરિયાદના આધારે ઈમ્તિયાઝ શેખ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો, સગીરાના નિવેદન અને અન્ય સંબંધિત પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. સગીરાની ઉંમરને ધ્યાનમાં રાખીને કેસમાં પોસ્કો કાયદા હેઠળની જાગવાઈઓ સહિત લાગુ પડતી કાયદાકીય કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.