ગાંધીજીએ મીઠા પર અંગ્રેજ સરકાર દ્વારા વસૂલવામાં આવતા કર સામે અહિંસક સવિનય કાનૂનભંગની ચળવળ હેઠળ મીઠા સત્યાગ્રહ કર્યો હતો. સરદાર પટેલ અને સુરતના કાર્યકર કલ્યાણજી મહેતાએ ગાંધીજી દ્વારા નક્કી કરવામાં આવેલ રૂટમાં ફેરફાર કરીને દાંડીકૂચનો નવો રૂટ નક્કી કર્યો. સાબરમતી આશ્રમથી લઈને નવસારીના દાંડી મુકામે એમણે ચપટી મીઠું ઉપાડીને જનતા સમક્ષ હાથ ઉંચો કર્યો, દાંડીનો દરિયાકાંઠો ગગનભેદી હુંકારથી ગાજી ઉઠ્‌યો…. “નમક કા કાનૂન તોડ દીયા….” જે મીઠાની કિંમત દસ પાઈ હતી તેની ઉપર કર વીસ આના એટલે ૨૪૦ પાઈ હતો એટલે ઉત્પાદનની કિંમતના ૨૪ ગણો કર હતો. ઉપરાંત કાયદો કરવામાં આવ્યો હતો કે પરવાના વિના મીઠું બનાવવું, ઓસવી લેવું, કુદરતી મીઠું અથવા ખારી માટી ખોદવી વગેરે ગુનો ગણાય અને તે માટે સજા થાય. ગાંધીજીએ અંગ્રેજોને પડકાર ફેંક્યો કે “સરકાર લોકોનું મીઠું ચોરે છે અને એ ચોરીની ચીજને માટે લોકોની પાસે ભારે વેરો લે છે.” ભારતની આઝાદીની ચળવળના ઇતિહાસમાં દાંડીકૂચ પ્રજા જાગૃતિનો એક માઈલસ્ટોન ગણાય છે.
પ્રજા જાગૃતિ એટલી વ્યાપ્ત થઇ અને ચળવળને એ બળ મળ્યું કે અંગ્રેજોએ આ ચળવળને કાબુમાં લેવા દેશભરમાં લગભગ ૭૫૦૦૦ જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓની ધરપકડ કરવી પડી. એણે અંગ્રેજ હકૂમતના પાયામાં લૂણો લગાડ્‌યો. આ કૂચથી કર સંપૂર્ણ નાબૂદ તો ન થયો, પણ પ્રજા જાગી ગઈ.
દાંડીકૂચ બે મોટા રાજકીય બોધપાઠ આપી ગઈ. સૌ પ્રથમ તો એક સામાન્ય કાર્યકર અને એક કુશળ સંગઠન કર્તાએ નક્કી કરેલ રસ્તે ચળવળનો સર્વોચ્ચ નેતા ચાલી ગયો. ગાંધીજી જો ઈચ્છા રાખત તો પોતે નક્કી કરેલ રસ્તે જ ચાલત, પરંતુ એક સામાન્ય કાર્યકર્તાની દુરંદેશી અને સલાહ પ્રમાણે એમણે પોતાના રસ્તામાં ફેરફાર કર્યો. ક્યારેક નાનો કાર્યકર્તા પણ સર્વોચ્ચ નેતાગીરીને દોરવણી આપી જવા સક્ષમ હોય છે, માટે તેનો આદર કરવો. બીજો બોધપાઠ એ કે વિરોધ કરવાના મુદ્દાની પસંદગી વિવેકબુદ્ધિ અને ડહાપણથી કરવી. વિરોધીને ખબર પણ ન પડે અને ચિત થઇ જાય. મીઠાનો કર નાબૂદ ન થયો, સ્થૂળ સ્વરૂપે કૂચ નિષ્ફળ ગઈ કહેવાય, પણ એ કૂચે લાંબાગાળાની જે અસરો છોડી, એ અસરોની કલ્પના પણ અંગ્રેજો ન કરી શક્યા. મીઠા પરનો કર દૂર કરાવવાના બેનર હેઠળ ૨૪૧ માઈલ અને ૭૯ સાથીદારો સાથેની યાત્રાએ જે પ્રજા જાગૃતિનું કામ કર્યું એ દાંડીકૂચના પરિણામે ગાંધી-ઇરવીન કરાર થયા. આ કરાર અંગ્રેજ સરકારે ગાંધીજીને સમસ્ત ભારતના પ્રતિનિધિ ગણીને કર્યો. સવિનય કાનૂનભંગના તમામ રાજકીય કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. અંગ્રેજો કોંગ્રેસને ગંભીરતાથી લેવા લાગ્યા. દાંડીકૂચ વિરોધ કરવાના કોઈપણ પરિમાણ સામે ચઢિયાતી સાબિત થાય તેવી ઘટના તરીકે ઇતિહાસમાં આલેખાઈ ગઈ.
દાંડીકૂચ સ્વરૂપે સરકારનો વિરોધનું દ્રષ્ટાંત રાજકીય વર્તમાન કે ભવિષ્યના કોઈપણ મોડ પર પ્રસ્તુત રહેશે. આજે વાહિયાત મુદ્દાઓ પર રાજનીતિ કરતા પોણીયા નેતાઓ જોઇને અફ્‌સોસ થાય કે મુદ્દા પસંદગીમાં આ લોકોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય એમ લાગી રહ્યું છે. ભારતમાં ૧૮મુ બ્રિકસ શિખર સંમેલન યોજાઈ ગયું. આ સંમેલન દરમિયાન બ્રિકસ દેશોએ મળીને એકસો ચાલીસ પેરેગ્રાફનું એક સંયુક્ત જાહેરનામું બહાર પાડ્‌યું. ૧૧ પૂર્ણ સભ્ય દેશો અને ૧૦ ભાગીદાર દેશો કોઈ એકસો ચાલીસ મુદ્દે એક સહમતી સ્વીકારે એ અભૂતપૂર્વ ઘટના છે. એમાં એવા દેશો પણ સામેલ છે જે એકબીજા સામે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યુધ્ધમાં ઉતરેલા છે. ભારતના આંગણે આવીને પોતાના અંગત મતભેદો કોરાણે મુકીને એકબીજા સાથે જો તેઓ સંમત થતા હોય તો એ ભારતીય વિદેશનીતિની ભવ્ય સફળતા ગણી શકાય. દેશ દુનિયાએ અને દેશમાં સરકારના ભણેલા ગણેલા વિરોધીઓએ પણ સ્વીકાર કર્યો કે આ સંમેલન દ્વારા ભારતે પોતાની આંતરરાષ્ટ્રીય તાકાત અને છબી ઉજળી કરી છે.
બ્રિકસ સંમેલનને લઈને જો સરકારની આલોચના કરવાની થાય તો ક્યાં મુદ્દે કરવી ? એ માટે તમારે એ સમ્મેલન દરમિયાન થયેલી સમજૂતીઓ, ઘડાયેલ નીતિઓ, લેવાયેલ નિર્ણયો, થયેલ ચર્ચાઓનો ગહન અભ્યાસ કરવો પડે, તેમાં તમારી વિવેકબુદ્ધિ આધારે ભારતના હિતને સાપેક્ષે રાખીને તર્કબદ્ધ દલીલો સાથે મેદાનમાં આવવું પડે, જો તમારા વાદ સામે કોઈ પ્રતિવાદ થાય તો તેના જવાબો આપવાની પૂરી તૈયારી રાખવી પડે. આ બધું તો જ શક્ય છે જો તમે ભારતના હિતને કેન્દ્રમાં રાખીને કોઈ નિર્ણય, નીતિ, સમજૂતી કે ચર્ચાને પડકાર કરી શકાય એટલી સંવૃદ્ધ તટસ્થ વિવેકબુદ્ધિ ધારણ કરતા હોવ. આખા બ્રિકસ સંમેલનમાંથી તમને સરકારની ટીકા કરવા માટે જો તમને વેજ નોનવેજ ભોજનનો મુદ્દો જ મળી શકતો હોય તો ભારતની જનતા તમારું માનસિક સ્તર માપી શકે તેટલી સરેરાશ બુદ્ધિ ધરાવે છે.
કોઈ મુદ્દે તમે સમર્થન ન કરી શકો તો કોઈ હર્જ નથી. એ તમારો સ્વભાવ કે માનસિકતા હોઈ શકે છે કે એ તમારી બીજા પ્રત્યેની કુંઠા હોઈ શકે છે કે તમે કોઈ બીજાના રાજસૂય યજ્ઞ જેવા પુરુષાર્થને પણ બિરદાવી શકતા નથી. જે બાબતની કે વ્યક્તિની ચોમેર પ્રશંસા થઇ રહી હોય, જે વ્યક્તિ તમારા કરતા દરેક બાબતમાં ચઢિયાતી હોય કે પરફોર્મ કરી રહી હોય તો તેની સામે હથિયાર મૂકી ન શકો તો પણ મ્યાન કરી દેવા જ ડહાપણ છે. જે બાબતનો વિરોધ નથી થઇ શકતો કે વિરોધ કરી શકવા માનસિક રીતે તમે સક્ષમ નથી, તો એ મુદ્દો છોડી દેવો જોઈએ, અકારણ તેનો વિરોધ તમને વિરોધીઓની સામે નબળા સાબિત કરી શકે છે. તર્કવિહીન વિરોધ કરવા જતા તમારું માનસિક સ્તર ઉઘાડું પડી જાય એ સરવાળે તમને જ નુકસાન કરી મેલે છે. એક કહેવત છે કે જયારે ડાહ્યો માણસ ચંદ્ર બતાવી રહ્યો હોય છે ત્યારે મુરખાઓ તેની આંગળી તરફ જોઈ રહ્યા હોય છે.
ક્વિક નોટ – ફિલસૂફ માટલું ખરીદવા ગયો, કુંભારને પ્રશ્ન કર્યો કે આમાં ઉપરથી કાણું પાડીને પાણી ભરીયે તો પણ શું ફાયદો ? નીચે તો મોટું બાકોરું છે.