ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પર હુમલો, ધમકી અને હવામાં ફાયરિંગના ચર્ચિત કેસમાં ગુજરાત હાઇકોર્ટે નર્મદાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવા સહિત પાંચ દોષિતોને જામીન મંજૂર કર્યા છે. હાઇકોર્ટે નોંધ્યું કે આ પાંચેય અરજદારો મુખ્ય આરોપી નથી અને તેમના દ્વારા કોઈ વ્યક્તિને ઇજા પહોંચાડવામાં આવી હોવાના પુરાવા સામે આવ્યા નથી.આ કેસમાં નર્મદા પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય આરોપીઓ સામે જમીન વિવાદને લઈને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને ઘરે બોલાવી મારપીટ કરવી, ધમકી આપવી અને હવામાં ફાયરિંગ કરવાના આરોપસર આઇપીસીની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૮૬, ૨૯૪, ૩૫૩, ૩૮૬ તેમજ આર્મ્સ એક્ટની કલમ ૨૫ સહિતની વિવિધ જાગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો હતો.પછી નર્મદાની ટ્રાયલ કોર્ટે આ કેસમાં ચૈતર વસાવા, શકુંતલા વસાવા સહિત કુલ નવ આરોપીઓને દોષિત ઠેરવી સાત વર્ષની કેદની સજા ફટકારી હતી. સજા સામે તમામ દોષિતોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે. તે દરમિયાન શકુંતલા વસાવા સહિત પાંચ દોષિતોએ સજા સ્થગિત કરી જામીન આપવા અરજી કરી હતી.
ગુજરાત હાઇકોર્ટે અરજીઓ પર વિગતવાર સુનાવણી બાદ શકુંતલા વસાવા સહિત પાંચ દોષિતોને જામીન આપ્યા છે. કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું કે અરજદારો મુખ્ય આરોપી નથી તેમજ તેમની સામે કોઈને ઇજા પહોંચાડ્યાનો સીધો આરોપ પણ નથી. તેથી અપીલનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.આ કેસમાં અગાઉ બચાવ પક્ષે દલીલ કરી હતી કે જંગલ વિસ્તારમાં ગામલોકોએ કપાસનું વાવેતર કર્યું હતું. વન વિભાગે તે પાક અને સામાન દૂર કરીને ખુલ્લા બજારમાં વેચી દીધો હતો. જેના કારણે ગામલોકોએ વળતરની માંગણી સાથે ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો. બાદમાં વન અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી અને વળતર આપવા સંમતિ થયા પછી વિવાદનો અંત આવ્યો હતો. જાકે, ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓના સૂચનથી પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું બચાવ પક્ષનું કહેવું હતું.
બીજી તરફ ફરિયાદ પક્ષના આરોપ મુજબ, ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓને ધમકાવી ૬૦ હજારનું વળતર ચૂકવવાની માંગણી કરી હતી. હાથ-પગ તોડી નાખવાની ધમકી આપી ગાળો બોલી હતી. પોતાના બની રહેલા ઘરમાંથી રિવોલ્વર મંગાવી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓને ધમકાવી તેમના જ બેંક ખાતામાંથી એટીએમ મારફતે રૂપિયા ઉપડાવી ખેડૂતને ચૂકવાવવામાં આવ્યા હોવાનું પણ આરોપ છે.અરજદારો તરફથી વકીલ આઈ. એચ. સૈયદે જણાવ્યું હતું કે અરજદારોની ભૂમિકા મુખ્ય આરોપી જેવી નથી. તેમની સામે કોઈને ઇજા પહોંચાડવાનો આરોપ નથી અને તેઓ ટ્રાયલ દરમિયાન પણ જામીન પર હતા તેમજ જામીનની શરતોનું કોઈ ઉલ્લંઘન કર્યું નહોતું. આથી અપીલનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી સજા સ્થગિત કરી જામીન આપવાની વિનંતી કરવામાં આવી હતી. આ દલીલોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે શકુંતલા વસાવા સહિત પાંચ દોષિતોને જામીન મંજૂર કર્યા છે.










































