ગુજરાત એટીએસ દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકી નેટવર્કની તપાસ દરમિયાન વડોદરાથી મહત્વની કડી સામે આવી છે. તપાસ એજન્સીઓના પ્રાથમિક તારણો મુજબ એટીએસ દ્વારા ઝડપાયેલા ૧૩ શંકાસ્પદ વ્યક્તિઓમાંથી બે શંકાસ્પદ આતંકીઓ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમ્બેસેડર હોટલમાં રોકાયા હતા. આ ખુલાસા બાદ સ્થાનિક સુરક્ષા એજન્સીઓ અને તપાસ અધિકારીઓ વધુ સતર્ક બન્યા છે.તપાસ દરમિયાન મળેલી માહિતી અનુસાર વડોદરામાં કાશ્મીરથી એક શંકાસ્પદ વ્યક્તિને બોલાવી તેની સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અહમદ ગાજિવાલા અને ઇબ્રાહિમ ઘઘા સહિત બે શંકાસ્પદ વ્યક્તિઓ હાજર રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તપાસ એજન્સીઓ હવે બેઠકનો હેતુ, તેમાં થયેલી ચર્ચા તેમજ અન્ય સંભવિત સંપર્કોની માહિતી એકત્રિત કરી રહી છે.
આ સમગ્ર મામલે એમ્બેસેડર હોટલના માલિક અને હોટલ મેનેજમેન્ટની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. હોટલમાં રોકાણ દરમિયાન જરૂરી દસ્તાવેજાની ચકાસણી કરવામાં આવી હતી કે નહીં અને નિયમોનું પાલન થયું હતું કે નહીં તે સહિતના મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
તપાસમાં પાલનપુરના ભાગલ ગામ સાથે જાડાયેલી કેટલીક કડીઓ પણ વડોદરા સુધી પહોંચતી હોવાનું સામે આવ્યું છે. જેના આધારે તપાસ એજન્સીઓ સમગ્ર નેટવર્ક, સંભવિત સંપર્કો અને અન્ય સંબંધિત વ્યક્તિઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ડિજિટલ પુરાવા, મુસાફરીની વિગતો અને સંપર્કોના આધારે સમગ્ર કેસની દરેક દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.








































