શહેરના સચીન જીઆઇડીસી વિસ્તારમાં પ્રેમ-પ્રકરણમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ૨૧ વર્ષની યુવતી પર પ્રેમ સંબંધ રાખવા માટે સતત દબાણ, ધમકીઓ, મારપીટ અને ચપ્પુની અણીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે યુવતીએ આખરે કંટાળી ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે.
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ મુજબ, આરોપી મુમતાઝ રબીલ અહમદ છેલ્લા આશરે છ મહિનાથી યુવતીનો પીછો કરી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. યુવતી વારંવાર ઇનકાર કરતી હોવા છતાં આરોપી મુમતાઝ રબીલ અહમદ તેને સતત શારીરિક અને માનસિક રીતે હેરાન કરતો રહ્યો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી મુમતાઝ રબીલ અહમદએ યુવતીને ચાકુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને આ ભયનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
માહિતી અનુસાર, યુવતી પોતાની બહેન સાથે એક લેબર કોન્ટ્રાક્ટર પાસે મજૂરી કામ કરતી હતી. ત્યાંથી જ તેનો આરોપી મુમતાઝ રબીલ અહમદનો સંપર્ક થયો હતો. યુવતી દ્વારા સંબંધ રાખવાનો સ્પષ્ટ ઇનકાર કરવા છતાં આરોપી મુમતાઝ રબીલ અહમદ સતત તેની પાછળ પડ્યો હતો. યુવતીને મારપીટ કરવી, ધમકી આપવી અને માનસિક રીતે ત્રાસ આપવાના કારણે તે ભારે તણાવમાં રહેતી હતી.
પરિવારજનોએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીના સતત ત્રાસ, ધમકી અને દુષ્કર્મના કારણે યુવતી ગંભીર માનસિક આઘાતમાં આવી ગઈ હતી. આખરે આ અસહ્ય પરિસ્થિતિથી કંટાળી તેણે પોતાના જીવનનો અંત લાવી દીધો છે. ઘટના અંગે યુવતીના પરિવારની ફરિયાદના આધારે સચીન જીઆઇડીસી પોલીસે આરોપી મુમતાઝ રબીલ અહમદ સામે બળાત્કાર, આત્મહત્યા માટે દુષ્પ્રેરણા, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે અને ઘટનાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન યુવતી અને આરોપી વચ્ચે થયેલા સંપર્કો, મોબાઇલ કોલ ડિટેલ્સ, મેસેજ, તેમજ અન્ય પુરાવાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર કેસની તપાસ એસીપી એસ.ડી. તરડેના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે કાયદેસરની વધુ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા અને છેડતી-ધમકીના બનાવો સામે સમયસર ફરિયાદ નોંધાવવાની જરૂરિયાત અંગે ફરી એક વખત ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.