પલસાણા પોલીસ મથક હદમાં આવેલ જાલવા ગામે સંબંધોને શરમસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાલવા ગામની આરાધના ડ્રીમ સોસાયટી વિભાગના મકાન નંબર ૨૫૨માં બાથરૂમમાં પાણી ન નાખવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાબતે પુત્રએ પોતાના જ ૬૦ વર્ષીય પિતાને લોખંડનો સળિયો મારી હત્યા કરી નાખી હતી. આરોપી પુત્રને પલસાણા પોલીસે ઝડપી પાડ્યો છે.
પલસાણા તાલુકાના જાલવા ગામે ઉશ્કેરાયેલા પુત્રએ પિતાની નિર્મમ હત્યા કરી નાખી હતી. પુત્ર ઘાતક સળિયા લઈને આવતો જાઈ વૃદ્ધ પિતા જીવ બચાવવા ઘરની બહાર ભાગી રહ્યા હતા. જાકે ક્રૂર પુત્રએ પાછળ દોડીને ઘરનાં દરવાજા પાસે પિતાના ડાબા કાનની નીચે ગરદનના ભાગે સળિયાનો જારદાર ફટકો મારી દીધો હતો. લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા પિતા સુખલાલભાઈને ૧૦૮ મારફતે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાં હોસ્પિટલના ફરજ પરના તબીબે સુખલાલભાઈને મૃત જાહેર કર્યા હતા.
પલસાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં આરોપી જીતુને ઝડપી પાડ્યો હતો. આરોપી જીતુ દારૂ પીવાની કુટેવ ધરાવે છે. આરોપી જીતુ છેલ્લા ઘણા સમયથી ઘરમાં અવારનવાર દારૂ પીને કલેશ કરતો હતો. પરંતુ નજીવી બાબતે પિતાને કાનના ભાગે લોખંડના સળિયાથી હુમલો કરી પિતા સુખલાલભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ બાબતે આરોપી જીતુને એની માતા આશાબેને અટકાવવાની કોશિશ કરી હતી પરંતુ આરોપી નશાની હાલતમાં પણ હોય અને ઝઘડો વધુ ઉગ્ર બની જતા અંતે આરોપી જીતુએ એમના પિતા સુખલાલભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હાલ તો પલસાણા પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.








































