રાજકોટ મહાનગરપાલિકાની સફાઈ કામગીરીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. રાજકોટ કામદાર યુનિયન દ્વારા કરવામાં આવેલી આરટીઆઇ બાદ સફાઈ કામદારોના કામના વિસ્તારને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુનિયનનો દાવો છે કે શહેરમાં કેટલાક સફાઈ કામદારો પાસેથી નિયમ કરતાં અનેક ગણું વધુ કામ લેવામાં આવી રહ્યું છે.માહિતી અધિકાર હેઠળ મળેલા જવાબમાં મનપાએ જણાવ્યું હતું કે, સરકારના નિયમ મુજબ એક સફાઈ કામદારને ૨૫૦ થી ૭૫૦ મીટર સુધીના વિસ્તારની સફાઈ કરવાની હોય છે. આ નિયમ કાયમી, કોન્ટ્રાક્ટ તેમજ મિત્ર મંડળ હેઠળના તમામ સફાઈ કામદારો માટે લાગુ પડે છે.જાકે, રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાના જણાવ્યા મુજબ,આરટીઆઇ બાદ જમીની હકીકત જાણવા માટે વોર્ડ નંબર ૧૧ના નાનામવા વિસ્તાર તેમજ વોર્ડ નંબર ૯ના કેટલાક વિસ્તારોમાં રોડોમીટરથી પ્રત્યક્ષ માપણી કરવામાં આવી હતી. જેમાં કેટલાક સ્થળોએ એક જ કામદાર પાસે ૧૦૦૦ મીટરથી લઈને ૨૦૦૦ મીટર સુધીના વિસ્તારની સફાઈ કરાવવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.યુનિયનનો આક્ષેપ છે કે નિયમ કરતાં વધુ વિસ્તારની સફાઈ કરાવીને કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ એક વ્યÂક્ત પાસે બે કે ત્રણ વ્યક્તિ જેટલું કામ કરાવીને કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ જણાવ્યું કે, સફાઈ કામદારો પહેલેથી જ ભારે શારીરિક મહેનત કરે છે, તેમ છતાં તેમની પાસે નિયમ બહારનું કામ લેવામાં આવી રહ્યું છે. તેમણે માંગ કરી છે કે રાજકોટ શહેરમાં તમામ કાયમી, કોન્ટ્રાક્ટ અને મિત્ર મંડળના સફાઈ કામદારોના વિસ્તારોની ફરીથી સત્તાવાર માપણી કરવામાં આવે અને નિયમ મુજબ વિસ્તાર ફાળવવામાં આવે.યુનિયને આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જા આગામી દિવસોમાં મનપા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન અને કાયદાકીય લડત કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.બીજી તરફ રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ શાખાના અધિકારી પ્રજેશભાઈ સોલંકીએ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, દરેક સફાઈ કામદારને સરેરાશ ૫૫૦ મીટર આસપાસનો વિસ્તાર આપવામાં આવ્યો છે.તેમના જણાવ્યા પ્રમાણે, યુનિયન દ્વારા કરવામાં આવેલી માપણીની પદ્ધતિમાં ભૂલ છે. સફાઈ વિસ્તારની માપણી એક તરફથી કરવાની હોય છે, જ્યારે યુનિયન દ્વારા બંને તરફથી માપણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.મનપા અધિકારીએ વધુમાં કહ્યું કે, શહેરમાં સફાઈ કામગીરી નિયમો અનુસાર જ ચાલી રહી છે અને કોઈપણ કામદાર પાસેથી ગેરકાયદેસર રીતે વધારાનું કામ લેવામાં આવતું નથી. જાકે, સમગ્ર મામલે ફરી તપાસ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.હાલ રાજકોટમાં સફાઈ કામગીરીને લઈને યુનિયનના આક્ષેપો અને મનપાના જવાબ વચ્ચે વિવાદ વધુ ગરમાયો છે. આગામી દિવસોમાં આ મામલે મનપા શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.







































