ઉના અને ગીરગઢડા તાલુકામાં ચોથી અને પાંચમી જુલાઈના રોજ થયેલા અતિભારે વરસાદ અને પૂરના કારણે વ્યાપક નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે રાજ્યના મુખ્યમંત્રીને વિગતવાર રજૂઆત કરી છે. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરીને ખેડૂતો, માછીમારો, પશુપાલકો અને સામાન્ય નાગરિકોને સરકારી નિયમો મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે.પૂરના કારણે હજારો એકર ખેતીની જમીન અને મગફળી તથા કપાસ જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. અનેક ગામોમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના સૈયદ રાજપરા અને નવાબંદર જેવા બંદરો પર માછીમારોની બોટો તથા સાધનોને પણ નુકસાન પહોંચ્યું છે. ધારાસભ્યશ્રીએ ખોરવાયેલો વીજ પુરવઠો તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા અને પૂરથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તા, પુલ અને સરકારી મિલકતોનું સમારકામ યુધ્ધના ધોરણે શરૂ કરવા સરકારને અનુરોધ કર્યો છે.