ખાંભા પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં મધ્યપ્રદેશના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ખાનગી વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મધ્યપ્રદેશના સતના જિલ્લાના ઉચેહરા તાલુકાના મહમદ ઉર્ફાન શેખ શમશુદિન મનસુરીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી દેશી બનાવટની મેગઝીન પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અટકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક સંજય ખરાત અને મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ ખાંભા પીઆઈ કરણસિંહ ચુડાસમાની ટીમે સફળ કામગીરી કરી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.