ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. હિંમતનગરની સિવિલમાં એક બાળદર્દીનું મોત થયું જ્યારે પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું શંકાસ્પદ મોત નિપજ્યું છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા બાળકને ગોધરા ખસેડાયો હતો. અમદાવાદ લઈ જતી વખતે રસ્તામાં જ બાળકનું મોત નિપજ્યું.
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા છઠ્ઠા દર્દીનું મોત થયું. હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતી ત્રણ વર્ષની બાળકીનું મોત થયું. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા ત્રણ વર્ષની બાળકીને દાખલ કરાઈ હતી. અત્રે જણાવવાનું કે અરવલ્લીના બાયડ તાલુકાના ઓઢા ગામની હતી આ બાળકી. બાળકીનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. હિંમતનગર સિવિલના આઇસીયુ વોર્ડમાં બાળકીની સારવાર અપાઈ હતી. હિંમતનગર સિવિલમાં અત્યાર સુધી છ બાળકોના મોત થયા છે. અત્યાર સુધીમાં એક પોઝીટીવ રીપોર્ટ જ્યારે છના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને સ્થિતિ ચિંતાજનક જોવા મળી રહી છે. વધુ એક બાળકનું ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ મોત નિપજ્યું છે. ગોધરના મણીપુરના ચાર વર્ષના બાળકમાં આ વાયરસના લક્ષણો જાવા મળ્યા હતા અને બાળકને સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવતા રસ્તામાં જ આ બાળકે દમ તોડ્યો હતો. બાળકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે સેમ્પલને તપાસ માટે મોકલાયા છે.
અત્રે જણાવવાનું કે પંચમહાલ જિલ્લાના વધુ બે બાળકો સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા લક્ષણો ધરાવતા હોવાથી સારવાર હેઠળ છે. ડોક્ટરોએ હાલ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું જણાવ્યું છે. તેમના સેમ્પલ પણ પરીક્ષણ માટે લેબ મોકલવામાં આવ્યા છે.
ચોમાસું બેસતા જ ચેપી બીમારીઓનો દોર પણ શરૂ થઈ જાય છે. અનેક જગ્યાએ ડેંગ્યુ, મલેરિયા જેવી મચ્છરજન્ય બીમારીઓના પ્રકોપ વચ્ચે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કહેર મચાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ આ વાઈરસ મગજ પર સીધો એટેક કરે છે. આ એક વાયરલ ચેપ છે અને સેન્ડ ફ્લાય દ્વારા ફેલાય છે. મોટાભાગે ૧૫ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં વધુ જાખમ રહે છે. આ ચેપ મગજને અસર કરી શકે અને સ્થિતિ ગંભીર પણ બની શકે છે.
ચાંદીપુરા વાયરસ એક આરએનએ વાયરસ છે જે રેબડોવિરિડે પરિવારનો સભ્ય છે. તેની ઓળખ પહેલીવાર ૧૯૬૫માં મહારાષ્ટ્રના એક ચાંદીપુરા ગામમાં થઈ હતી જેના નામ પરથી આ વાયરસનું નામ ચાંદીપુરા વાયરસ પડ્યું છે. ભારતમાં પણ તેના મામલા સમયાંતરે જાવા મળે છે. ખાસ કરીને ચોમાસામાં સામે આવે છે.
આ વાયરસ મુખ્યત્વે માથાને પ્રભાવિત કરનારી ગંભીર બીમારીનું કારણ બને છે. આ બીમારી સૌથી વધુ ૧૫ વર્ષથી નાની ઉમરના બાળકોમાં જાવા મળી છે. ચેપ ઝડપથી ફેલાઈ શકે છે એટલે તેને મેડિકલ ઈમરજન્સી પણ ગણવામાં આવે છે.
ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડફ્લાયના કરડવાથી થાય છે. ચોમાસાના દિવસોમાં ભેજ, ગંદકી, અને કીડાની સંખ્યા વધવાથી ચેપનું જોખમ વધે છે. ગ્રામીણ વિસ્તારોમાં માટીના ઘરો, અને ઓછી સ્વચ્છતાવાળા વિસ્તારોમાં તેનું વધુ જોખમ હોઈ શકે છે.