ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને ચિંતા સતત વધી રહી છે. પંચમહાલ જિલ્લામાં વધુ એક બાળકનું મોત થતાં જિલ્લામાં મૃત્યુઆંક ચાર પર પહોંચી ગયો છે. સતત સામે આવી રહેલા કેસોને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ થયુ છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ, ડસ્ટિંગ તેમજ દવાનો છંટકાવ સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
ગોધરા તાલુકાના ચાંચપુર-મણીપુર વિસ્તારના એક વર્ષીય બાળકની તબિયત અચાનક બગડતાં પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાળકમાં તાવ અને અન્ય ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. તબીબોની સારવાર છતાં બાળકને બચાવી શકાયો નહોતો. આ કેસમાં ચાંદીપુરા વાયરસની આશંકાને ધ્યાનમાં રાખીને સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
બીજી તરફ કાલોલ તાલુકાના ઘોડા ગામના બે વર્ષીય આશિષ નાયકનું પણ મોત થયું છે. બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ભયનો માહોલ સર્જાયો છે.
આ પહેલાં પંચમહાલ જિલ્લાના વિઝોલ અને જીતપુરા ગામના બે બાળકોના પણ ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણ બાદ મોત થયા હતા. હવે વધુ બે બાળકોના મોત બાદ જિલ્લામાં કુલ મૃત્યુઆંક ચાર પર પહોંચી ગયો છે. સતત વધી રહેલા કેસોને કારણે આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે.
આરોગ્ય વિભાગની ટીમો અસરગ્રસ્ત ગામોમાં સતત મુલાકાત લઈ રહી છે. ગામોમાં ડસ્ટિંગ, જંતુનાશક દવાનો છંટકાવ, ઘર-ઘર સર્વે, બાળકોના સ્વાસ્થ્યની તપાસ અને લોકોમાં જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આશા વર્કરો,એએનએમ અને આરોગ્ય કર્મચારીઓને પણ સક્રિય કરવામાં આવ્યા છે જેથી કોઈપણ શંકાસ્પદ કેસ સામે આવે તો તાત્કાલિક સારવાર મળી શકે.







































