અમરેલીના ખડસલી સ્થિત પોલીટેકનિક ઇન એનિમલ હસબન્ડરી કોલેજના ૧૨ વિદ્યાર્થીઓની ભાવનગરની પ્રતિષ્ઠિત ‘સર્વોત્તમ ડેરી’માં લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર તરીકે કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા પસંદગી થઈ છે. કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત અને ગાંધીનગર કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન આ સંસ્થાના વર્ષ ૨૦૨૬ના ડિપ્લોમા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ આ સિધ્ધિ મેળવી છે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓમાં રવિ હડીયા, ઋત્વિક વાણીયા, હિતેશકુમાર વાઘેલા, દિવ્યેશ સિસારા, યશરાજસિંહ રાયજાદા, ગૌતમ વાળા, ભરતભાઈ વાળા, વિક્રમ મેવાડા, કૃણાલભાઈ જાજડા, ધવલ ગૌરૈયા, કૌશિક સાંડીસ અને વૈદિક બરાલનો સમાવેશ થાય છે. આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખ હિમતભાઈ ગોડા, મંત્રી ડા. રાજેન્દ્ર ખીમાણી, ટ્રસ્ટી હરેશભાઈ પંડ્યા તેમજ આચાર્ય ડો. કૃણાલ બદાણી અને સ્ટાફે ગુણવત્તાસભર શિક્ષણને બિરદાવી વિદ્યાર્થીઓ-વાલીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.








































