અમરેલી સ્થિત અમર ડેરી ખાતે અમૂલ આઈસ્ક્રીમ તથા કાઠિયાવાડી છાશના પ્રાયોગિક ઉત્પાદનનો શુભ પ્રારંભ IFFCOના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેરી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાતા આ બંને નવા ઉત્પાદનોના ઉત્પાદન કાર્યની શરૂઆત થતાં ડેરી સાથે સંકળાયેલા આગેવાનો અને સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. માહિતી મુજબ આગામી દિવસોમાં રાષ્ટ્રીય નેતૃત્વની ગૌરવમય ઉપસ્થિતિમાં અમૂલ આઈસ્ક્રીમ અને કાઠિયાવાડી છાશનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ બંને ઉત્પાદનો ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ વિકલ્પ પૂરા પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના અધ્યક્ષ જયંતિભાઈ પાનસુરિયા, માવજીભાઈ ગોલ, અમર ડેરીના એમ.ડી. ડા. આર.એસ. પટેલ, ધીરુભાઈ વાળા સહિત અમર ડેરીના ડિરેક્ટરો, આગેવાનો અને વિવિધ ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવા અને ડેરીના વિકાસ માટેના પ્રયાસો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.