ચિન્ટુ નામનો એક વાંદરો હતો. એને કેળાં બહુ ભાવે! સવારે ઊઠે એટલે કેળાં શોધવા નીકળી પડે.
એક દિવસ સવાર-સવારમાં ચિન્ટુ કેળું શોધવા નીકળી પડ્યો. શોધતાં શોધતાં એને એક લાંબું અને પીળું કેળું મળી ગયું. લાંબુ ને પીળું કેળું જોઈ એ રાજીરાજી થઈ ગયો.! કેળું એટલું પીળું ને ચમકતું હતું કે જાણે હસતું હોય!
ચિન્ટુના મોઢામાં પાણી આવી ગયું. એ તો કૂદકો મારીને કેળા પાસે પહોંચી ગયો. કેળું પકડવા એણે હાથ લંબાવ્યો. પણ કેળું ટપ કરતું નીચે પડી ગયું! ચિન્ટુએ તેને પકડવા ગયો. પણ કેળું જમીન પર ગબડવા લાગ્યું! ગબડતું-ગબડતું આગળ જાય અને ને ચિન્ટુ પાછળ! ચિન્ટુ કહે, “અરે ઓ લાંબા-લાંબા કેળાભાઈ, જરા થોભો તો ખરા!”
પણ કેળું તો કોઈનુંય ન સાંભળે! એ તો આગળ ને આગળ ગબડતું જ રહ્યું. રસ્તામાં ગજ્જુ હાથી સૂતો હતો. કેળું સીધું જઈને ગજ્જુ હાથીની સુંઢ પર અથડાયું! ગજ્જુ હાથી તો ચમકી ગયો, “અરે! આ કોણ છે? મારી સૂંઢ સાથે કોણ અથડાયું?”
ગજ્જુએ સૂંઢ હલાવી ને કેળું પાછું હવામાં ઊછળ્યું. ઊછળીને સીધું સસલાભાઈના કાન પર જઈને બેઠું! સસલાભાઈ તો કૂદાકૂદ કરવા લાગ્યા. આ જોઈને ચિન્ટુને એટલું હસવું આવ્યું કે તે તો પેટ પકડીને હસવા લાગ્યો. કેળું આમથી તેમ ઊછળફૂદ કરતું હતું.
કૂદમકૂદ કરતાં કરતાં પેલું લાંબું-પીળું કેળું સીધું ચિન્ટુના ખોળામાં આવીને પડ્યું! ચિન્ટુ તો રાજીના રેડ થઈ ગયો!
તેણે જોયું તો કેળું તો હજી પણ એવું જ લાંબું ને પીળું હતું. પણ હવે તે ભાગતું નહોતું. ચિન્ટુએ વિચાર્યું, “આ કેળું તો બહુ રમતિયાળ છે!”
ચિન્ટુએ કેળાની છાલ ઊતારી. અંદરથી સફેદ-મીઠું કેળું નીકળ્યું. તેણે ગજ્જુ હાથી અને સસલાભાઈને પણ બોલાવ્યા. બધાએ સાથે મળીને કેળાની મિજબાની માણી. બધા મિત્રો ખડખડાટ હસી પડ્યા.
ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭









































