કુંકાવાવ તાલુકાના અમરાપુર ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા વીજ પુરવઠાની સમસ્યાને લઈને રાત્રિના સમયે કુંકાવાવ PGVCL કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ, દિવસ દરમિયાન ગામમાં માત્ર આઠ કલાક જેટલો વીજ પુરવઠો મળતો હોવાથી ખેતીકામ સહિત રોજિંદા કામકાજમાં ભારે મુશ્કેલી પડી રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં વીજ પુરવઠાની સમસ્યાનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંગે પાંચ દિવસ અગાઉ પણ અમરાપુરના ખેડૂતોએ કુંકાવાવ PGVCL કચેરી ખાતે પહોંચી ઘેરાવ કરી આવેદનપત્ર આપ્યું હતું. તે સમયે પાંચ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ લાવવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે, પાંચ દિવસ વીતી જવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ખેડૂતો રાત્રિના સમયે ફરી PGVCL કચેરી ખાતે પહોંચ્યા હતા. ખેડૂતોએ કચેરીનો ઘેરાવ કરી રામધૂન શરૂ કરી વીજ પુરવઠો નિયમિત કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.









































