કેન્દ્ર સરકારે ફરી એકવાર આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી છે અને પાકિસ્તાન સ્થિત અને આઇએસઆઇ સમર્થિત શહઝાદ ભટ્ટી નેટવર્કને આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કર્યું છે. ગૃહ મંત્રાલયે શહઝાદ ભટ્ટી નેટવર્કને યુએપીએ હેઠળ આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કર્યું છે. ગૃહ મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ દેશભરના અનેક રાજ્યોમાં શહઝાદ ભટ્ટી નેટવર્ક સામે મોટા પાયે કાર્યવાહી કરી ચૂકી છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧૨ ઓગસ્ટના રોજ ૧૪ રાજ્યોમાં એક સાથે કાર્યવાહીમાં ૨૫૩ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ નેટવર્ક સામે અત્યાર સુધીમાં ૮૦ થી વધુ એફઆઇઆર અને ૨૦૦ થી વધુ ધરપકડો નોંધાઈ છે. આ નેટવર્ક પર સરહદ પારના હથિયારો, વિસ્ફોટકો અને ડ્રગ્સની હેરાફેરી અને યુવાનો અને નાના ગુનેગારોને આતંકવાદમાં પ્રેરિત કરવાનો આરોપ છે.
સુરક્ષા એજન્સીઓ અનુસાર, ઓપરેશન દરમિયાન આઇઇડી, પાકિસ્તાન ઓર્ડનન્સ ફેક્ટરીના નિશાનવાળા ગ્રેનેડ, પિસ્તોલ, જીવંત કારતૂસ અને જાસૂસી માટે ઉપયોગમાં લેવાતા સીસીટીવી કેમેરા જપ્ત કરવામાં આવ્યા હતા. એજન્સીઓનો દાવો છે કે આ જપ્તીઓથી નેટવર્કના સરહદ પારના જાડાણો ખુલ્યા છે.
શહજાદ ભટ્ટી નેટવર્ક પર ભારતમાં ગ્રેનેડ,આઇઇડી, પેટ્રોલ બોમ્બ હુમલા અને ટાર્ગેટ કિલિંગમાં સામેલ હોવાનો આરોપ છે. તપાસ એજન્સીઓ અનુસાર, નેટવર્કે પોલીસ, સંરક્ષણ સ્થાપનો અને ધાર્મિક સ્થળોની જાસૂસી કરવા માટે સ્થાનિક લોકોને પૈસા ચૂકવ્યા હતા અને સીસીટીવી કેમેરા લગાવીને સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.
૧૨ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં, ઉત્તર પ્રદેશમાં ૬૨, હરિયાણામાં ૫૨, દિલ્હીમાં ૫૧ અને પંજાબમાં ૪૪ લોકોની અટકાયત કરવામાં આવી હતી. વધુમાં, રાજસ્થાનમાં ૧૫, મહારાષ્ટ્રમાં ૮ અને ઉત્તરાખંડમાં ૫ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે કર્ણાટક, ગુજરાત અને બિહારમાં ૩-૩ અને તેલંગાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને કેરળમાં ૨-૨ લોકોની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી અને કર્ણાટકમાં પણ નવી એફઆઇઆર નોંધવામાં આવી હતી. શહજાદ ભટ્ટી નેટવર્ક સંબંધિત કેસોમાં યુએપીએ,બીએનએસ આર્મ્સ એક્ટ,એનડીપીએસ એક્ટ અને વિસ્ફોટક પદાર્થો કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
૧૭ ઓગસ્ટના રોજ ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસ પહેલા, સુરક્ષા એજન્સીઓએ ૧૪ રાજ્યોમાં સંકલિત કામગીરી હાથ ધરી હતી, જેમાં આઇએસઆઇ દ્વારા સમર્થિત માનવામાં આવતા નેટવર્કને તોડી પાડવામાં આવ્યું હતું, અને ૨૦૦ થી વધુ કાર્યકરોની ધરપકડ કરીને સંભવિત વિધ્વંસક હુમલા કરવાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું હતું. હવે,યુએપીએ હેઠળ આતંકવાદી સંગઠન જાહેર થયા પછી, શહજાદ ભટ્ટી નેટવર્ક સામે કાર્યવાહીનો આગળનો તબક્કો શરૂ થઈ ગયો છે.