ભાગ – ર
ભારતની જ સૌથી પ્રતિષ્ઠિત અને તટસ્થ પશુ સંશોધન સંસ્થા ‘ICAR-IVRI’ (ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ, બરેલી) દ્વારા વર્ષ ૨૦૨૩માં એક સત્તાવાર અને વ્યાપક સંશોધન બહાર પાડવામાં આવ્યું હતું. આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ દેશી ગાય, સાહીવાલ ગાય અને ભેંસના મૂત્રના સેમ્પલ લઈને તેની એન્ટીબેક્ટેરિયલ એટલે કે જીવાણુનાશક ક્ષમતાની તુલના કરી હતી. સંશોધનના પરિણામો ચોંકાવનારા હતા. વિજ્ઞાનિકોએ નોંધ્યું કે ગાયના મૂત્રની સરખામણીમાં ભેંસનું મૂત્ર હાનિકારક બેક્ટેરિયા (જેમ કે E. coli) ને નષ્ટ કરવામાં વધુ સક્ષમ અને ચડિયાતું (Superiro) માલૂમ પડ્‌યું હતું. આ ઠોસ વૈજ્ઞાનિક પુરાવો સાબિત કરે છે કે ગૌમૂત્ર જ સર્વોપરી છે તેવી માન્યતા વૈજ્ઞાનિક રીતે સાચી નથી. ભેંસનું મૂત્ર પણ એટલું જ અથવા તેનાથી વધુ પ્રભાવશાળી એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવે છે. ખાતર તરીકે જમીનની ફળદ્રુપતા વધારવા માટે સૌથી મહત્વના ત્રણ તત્વો છેઃ નાઇટ્રોજન (N), ફોસ્ફરસ (P) અને પોટેશિયમ (K). કૃષિ યુનિવર્સિટીઓ અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સના રિપોર્ટ અનુસાર, જો આપણે જુદા જુદા પશુઓના છાણ (ખાતર) માં રહેલા નાઇટ્રોજનના પ્રમાણની તુલના કરીએ તો ગાય આ રેસમાં ઘણી પાછળ રહી જાય છે. વૈજ્ઞાનિક આંકડાઓ દર્શાવે છે કે બકરીના ખાતરમાં (Goat Manure) સૌથી વધુ આશરે ૧.૬૬% નાઇટ્રોજન હોય છે. તેની સરખામણીમાં ગાયના ખાતરમાં આશરે ૦.૮૩% અને ભેંસના ખાતરમાં ૦.૬૬% નાઇટ્રોજન જોવા મળે છે. વનસ્પતિના વિકાસ (Vegetative Growth) પર થયેલા પ્રયોગશાળાના સંશોધનો દર્શાવે છે કે પાકને વહેલો અને વધુ પોષક તત્વો પૂરા પાડવામાં બકરી અને ઘેટાંનું ખાતર ગાયના ખાતર કરતાં વધુ ઝડપી પરિણામ આપે છે. બકરીની લીંડીઓ કદમાં નાની હોવાથી તે જમીનમાં જલ્દી ઓગળે છે અને તેનો નાઇટ્રોજન છોડને ઝડપથી મળે છે. આ સરખામણી સ્પષ્ટ કરે છે કે ગુણવત્તાની દ્રષ્ટિએ ભેંસ કે બકરીનું મળ-મૂત્ર ક્યાંયથી પણ ગાયના મળ-મૂત્રથી ઉતરતી કક્ષાનું નથી. આ પશુઓથી પણ એક ડગલું આગળ વધીને જો આપણે માનવ મૂત્ર (Human Urine) ની વાત કરીએ, તો આધુનિક વિજ્ઞાન તેને ખેતી માટે “લિક્વિડ ગોલ્ડ” (પ્રવાહી સોનું) ગણે છે. નેધરલેન્ડની વાગેનિંગન યુનિવર્સિટી (WUR) અને અમેરિકાની ‘રિચ અર્થ ઇન્સ્ટિટ્યુટ’ જેવી આંતરરાષ્ટ્રીય તટસ્થ સંસ્થાઓ છેલ્લા ઘણા વર્ષોથી માનવ મૂત્રના ખેતીમાં ઉપયોગ પર સંશોધન કરી રહી છે. વૈજ્ઞાનિક સંશોધનો મુજબ, માણસના મૂત્રમાં પશુઓ કરતાં પણ વધુ સંતુલિત અને પુષ્કળ માત્રામાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય છે. એક પુખ્ત માણસ આખા વર્ષ દરમિયાન જે પેશાબ કરે છે, તેમાંથી આશરે ૪ કિલો શુધ્ધ નાઇટ્રોજન અને ૪૦૦ ગ્રામ ફોસ્ફરસ મળી શકે છે. યુરોપના સંશોધનો દર્શાવે છે કે માનવ મૂત્રમાં રહેલો નાઇટ્રોજન કેમિકલ ખાતરો (જેમ કે યુરિયા ફેક્ટરીના ખાતરો) કરતાં પણ ૨૫% વધુ ઝડપથી છોડના મૂળ સુધી પહોંચે છે અને જમીનમાં સ્થિર થાય છે. ભારતની જ બેંગલોર
કૃષિ યુનિવર્સિટી દ્વારા કેળા અને મકાઈના પાક પર કરાયેલા પ્રયોગોમાં સાબિત થયું છે કે માનવ મૂત્રનો યોગ્ય માત્રામાં ખાતર તરીકે ઉપયોગ કરવાથી પાકનું ઉત્પાદન રાસાયણિક ખાતરો જેટલું જ અને સાવ મફતમાં મેળવી શકાય છે. તંદુરસ્ત માણસનું મૂત્ર કુદરતી રીતે જ જંતુમુક્ત (Sterile) હોય છે, તેથી તે પશુઓના મલ-મૂત્ર કરતાં વાપરવામાં વધુ સુરક્ષિત છે.
આમ છતાં, સમાજમાં ભેંસ, બકરી કે માનવ મૂત્રનો પ્રચાર કેમ નથી થતો અને માત્ર ગૌમૂત્રને જ સર્વોપરી કેમ ગણાવવામાં આવે છે? તેની પાછળ શુધ્ધ ‘માનસિક અને આર્થિક ગણિત’ કામ કરે છે. પ્રથમ કારણ સામાજિક અચકાવ (Psychological Barrier) છે. માણસ પોતાના કે અન્ય માનવના મૂત્રથી ઉગેલું અનાજ ખાવામાં વૈચારિક રીતે ધૃણા કે અણગમો અનુભવે છે, જ્યારે ગાય સાથે તેની ધાર્મિક આસ્થા જોડાયેલી હોવાથી તે ગૌમૂત્રને સહજતાથી સ્વીકારી લે છે. બીજું કારણ પશુઓની આર્થિક ઉપયોગિતાનું છે. ભેંસ જ્યારે દૂધ આપતી બંધ થાય છે, ત્યારે પણ માંસ અને ચામડાના બજારને કારણે પશુપાલક માટે તેનું મૂલ્ય શૂન્ય નથી થતું. બકરી પણ માંસના વ્યવસાય માટે આર્થિક રીતે કમાણી કરાવી આપે છે. પરંતુ ગાયના કિસ્સામાં દૂધ બંધ થતાં જ તેનું આર્થિક મૂલ્ય શૂન્ય થઈ જાય છે. તેથી સરકારો અને ધાર્મિક સંસ્થાઓ ગૌમૂત્ર અને છાણની આસપાસ એક ‘ચમત્કારિક આભામંડળ’ ઊભું કરીને તેનું માર્કેટિંગ કરે છે, જેથી ગાય આર્થિક રીતે નકામી ન ગણાય. વૈશ્વિક નીતિઓ (Global Policies) તરફ નજર કરીએ તો અમેરિકા, યુરોપિયન યુનિયન, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો ભારતની ધાર્મિક માન્યતાઓથી સાવ અલિપ્ત છે. છતાં આ દેશોમાં ગાયના છાણ અને પશુ કચરાનો ઉપયોગ ભારતના કરતાં પણ વધુ વ્યવસ્થિત અને મોટા પાયે થાય છે. પરંતુ તેઓ તેને કોઈ આસ્થા કે ચમત્કાર તરીકે નહીં, પણ ‘સર્ક્યુલર ઇકોનોમી’
આભાર – નિહારીકા રવિયા (Circular Economy) એટલે કે કચરામાંથી કંચન બનાવવાની વૈજ્ઞાનિક પધ્ધતિ તરીકે જુએ છે. યુરોપ અને જાપાનમાં ‘લાઈવસ્ટોક વેસ્ટ મેનેજમેન્ટ લો’ જેવા કડક કાયદાઓ છે, જે અંતર્ગત પશુઓના મળ-મૂત્રને ખુલ્લામાં ફેંકી શકાતું નથી. તેને આધુનિક પ્લાન્ટ્‌સમાં પ્રોસેસ કરીને હાઇ-ક્વોલિટી કમ્પોસ્ટ ખાતર અને બાયોગેસ એનર્જી બનાવવામાં આવે છે. ચીન પોતાની ‘ઓર્ગેનિક ફર્ટિલાઇઝર સબસ્ટીટ્યુશન પોલિસી’ હેઠળ ડુક્કર અને ગાયના છાણનો ઉપયોગ કરીને જમીનનો ઓર્ગેનિક કાર્બન વધારી રહ્યું છે. પશ્ચિમી વિજ્ઞાન માટે ગાયનું મૂત્ર એ માત્ર એક ‘નાઇટ્રોજનનો સ્ત્રોત’ છે, કોઈ દેવીય પ્રવાહી નથી. એ વાત બિલકુલ સ્પષ્ટ થાય છે કે ખેતીમાં ગૌમૂત્ર અને છાણનું મહત્વ ચોક્કસપણે છે, પરંતુ તે અન્ય પશુઓ કે માનવ મૂત્રની સરખામણીમાં વૈજ્ઞાનિક રીતે ‘સર્વોપરી’ કે એકમાત્ર શ્રેષ્ઠ નથી. વિજ્ઞાન સાબિત કરે છે કે ભેંસનું મૂત્ર વધુ સારું એન્ટીબેક્ટેરિયલ છે, બકરીનું ખાતર વધુ નાઇટ્રોજનયુક્ત છે અને માનવ મૂત્ર જમીન માટે સૌથી શક્તિશાળી ખાતર બનવાની ક્ષમતા ધરાવે છે. ગૌમૂત્રને જ એકમાત્ર સર્વોપરી સાબિત કરવાનો જે જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે, તેની પાછળ વૈજ્ઞાનિક સત્ય કરતાં ‘સંસ્કૃતિ પ્રેમ’, ધાર્મિક આસ્થા અને રખડતી ગાયોની સામાજિક-આર્થિક સમસ્યાને ઉકેલવાનો એક સભાન અને કૃત્રિમ પ્રયાસ વધુ પ્રબળ છે. એક પ્રગતિશીલ ખેડૂત અને તાર્કિક સમાજ તરીકે આપણે એ સમજવું જોઈએ કે સેન્દ્રીય ખેતી માટે ગાય, ભેંસ કે બકરી તમામ પશુઓનું મળ-મૂત્ર સરખું જ ઉપયોગી છે. આસ્થાને પોતાની જગ્યાએ રાખીને જો વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી ખેતી કરવામાં આવે, તો ખેડૂત કોઈપણ પશુના કચરામાંથી સોનું ઉપજાવી શકે છે અને પોતાના ખેતી ખર્ચને સાચે જ શૂન્ય કરી શકે છે.