“અરે..અરે..બનેવીલાલ! આ શું નવું લાયા. ચોમાસામાં વળી પાણીનો ફોટો!?”
બેરાલાલને ફોટો જોઈને હમજણ ના પડી, એટલે પુછી જ નાંખ્યું.
બનેવીલાલ પાણી જોઈ જોઈને પળલેલાં તો હતાં જ.
“બેરાલાલ! તમને કાનપુરમાં હડતાળ છે. ઈ વાત હાચી. પણ હવે મગજપુરમા’ય પાણી ઘુસી ગયું છે કે શું?”
“પાણીતો મોટાં મોટાં એપાર્ટમેન્ટમાં’ય ઘુસી ગયું છે. એટલે તો મેં પુછ્યું કે, આ ક્યાનો ફોટો છે?”
“આ સુરતનો ફોટો છે. અને આ મોબાઈલ રીચાર્જનો ફોટો છે.”
“એટલે હવે હંધાય મોબાઇલ રીચાર્જ થઈને આવશે એમ!? તો..તો..રીલ જોવાનો ટેસડો પડી જાહે.”
“ઈ દિવસો ગ્યા બેરાલાલ! મુકાભાઈએ હંધાયને વ્યસન ઠઠાડવા શરુઆતમાં ડેટા/કોલ હાવ મફતમાં વાપરવા દીધાં. જેવું હંધાયને વ્યસન વળગ્યું કે હવે હંધાયના ખીસ્સા ફાડી નાંખે એવું બીલ આવે છે.”
“ઈ બચાડા ગરીબ માણસ ! એને ‘ય એન્ટેલિયાનું બીલ આવતું હોય . વનતારાનો’ય ખરસો થાય ને!! પણ, તમે તો કહ્યું કે, આ મોબાઈલ રીચાર્જ છે.”
“તે..એ..હજીય કહું છું કે આ મોબાઈલ રીચાર્જ છે. તમે પાણીથી કૂવા રીચાર્જ હાંભળ્યું તું? ”
“હા..આ..! ઈ તો હાંભળ્યું જ હોય ને ! દાર રીચાર્જ પણ હાંભળ્યું છે. ચોમાસાનું પાણી કૂવામાં ઉતારો એટલે કૂવા રીચાર્જ. અને દારમાં ઉતારો એટલે દાર રીચાર્જ.”
“બસ! તો આ નવું આવ્યું. પાણીથી મોબાઈલ રીચાર્જ. આ પોદાર આર્કેટ ,સુરતનો ફોટો છે. અહીં બધી જ દુકાનો મોબાઈલ શોપ છે. હમણાં હમણાં હંધાય રાડો પાડતાં હતાં કે મોબાઈલ વેચાણમાં મંદી છે. કંઈક એવું થાય કે, ધંધો રીચાર્જ થઈ જાય.
છેવટે વરુણદેવે આ પોકાર હાંભળયો. અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનો એમને સાથ મળ્યો.
જોત -જોતામાં બાર પંદર ઈંચ વરસાદ પડયો. ક્રિકેટની ભાષામાં સટાસટી બોલાવી દીધી. ” “હા પણ,કહેવત તો એમ છે ને, ગાજ્યા મેઘ વરસે નહીં.”
(ઈ કહેવત અત્યારે ભારતીય ક્રિકેટમાં લાગું પડે છે.કાગળના વાઘ ) બાકી અહીં તો સટાસટી જ બોલી ગઈ.
કોર્પોરેશનની પ્રિ મોન્સુન કામગિરી બે થી ચાર ઈંચની જ હતી- નહોતી .અને વરસાદ પડયો બાર ઈંચ. એટલે એનો લાભ આ પોદાર આર્કેટને મળી ગયો. પોદાર આર્કેટ આખીને આખી રીચાર્જ થઈ ગઈ. ”
“બનેવીલાલ! તમે આ કેવી વાત કરો છો? મને હવે થોડો થોડો હમજણનો ટપ્પો પડતો જાય છે. તમે સુરતના પુરની વાત કરો છો? ”
“તો પછી તમે હું હમજ્યાં ?”
“ભલાં માણહ ! ક્યાં પુર અને ક્યાં મોબાઈલ રીચાર્જ?? છાપાં વાળાઓ તો કહે છે કે, આ પોદાર આર્કેટ વાળાને હામુ રીચાર્જ બસો અઢીસો કરોડનું કરાવવું પડશે. અને તમે મોબાઈલ રીચાર્જની વાતને ન્યાં ઠઠાડી?? હા પણ થાવા વાળું તો થઈ ગયું. હવે હળવાશ તો કરવી પડે ને !!? આ હંધૂય રીચાર્જ કર્યા પછી , તોય પાણી તો વધ્યું. એટલે કેટ – કેટલીયે સોસાયટીયો અને શોપિંગ સેન્ટરોનો’ય વારો આવી ગયો.
કેટ -કેટલીયે આળહુડી બાયુએ ગોદડાં ધોયાં જ નહોતાં. એમનાં હંધાય ગાદલાં ગોદડાં આ પુરે ધોઈ દીધાં.”
“બનેવીલાલ મેં હાંભળ્યું છે કે, પાણી ગમે ત્યાં એમની જગ્યા કરી લે છે. આ કેટલું’ક હાચું ?”
“એક હજાર ટકા હાચું. આ પાણી તરત જ ગાંધીનગર સુધી પહોંચ્યું. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના પગ તળે આ પાણીનો રેલો આવ્યો. એની હારે કેટ- કેટલા’ય મંત્રીઓ મારતે ઘોડે સુરત આવી પુગ્યા.”
“હા પણ, બનેવીલાલ! ઈ હંધાયે અહીં સુધી કાં ધકો ખાધો!? સુરતમાં તો હકડેઠઠ માણસો છે.”
“સુરતનાં પ્રથમ નાગરિક મેયર જ મેયર તો આવાં પુરના પાણીથી એટલાં બધાં ઠીંગરાઈ ગયાં કે શું બોલવું? અને શું ન બોલવું?? ઈ જ ગતાગમ નો પડી.એટલે ઠે..ઠ ગાંધીનગર વાળાને ધકો થયો.”
“તો પછી..એ ગાંધીનગર વાળા હું કરીને ગયાં?
કાંઈ આપતાં ગયાં? કે કાંઈ લેતાં ગયાં?”
“આપવામાં તો ટાઈપ કરેલી શિખામણ (પુર આવ્યું એમાં જે પણ દોશી હશે એમને છોડવામાં નહીં આવે) દર વર્ષે ખાડીમાં પુર આવે જ છે. તો ખાડીને હરખી કરવાની વાત કરી. ખાડી કાંઠે જેમણે જેમણે દબાણ કર્યું છે. અને કરાવ્યું છે. એમને ‘ય છોડવામાં નહીં આવે. આવી ઘસાઈ ગયેલી કેસેટ વગાડી. ”
“ઈ હંધૂય હાચું. પણ તમને લાગે છે કે , અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાનાં પગ ઉપર કૂહાડો મારશે!?? સત્તાધારી હંધાયે આ ખાડીના પુરમાં હાથ એંઠા કર્યા છે. અને ધોયા’ય છે. આ પાણીનો રેલો એનાં સુધી આવે એવું એ કરશે?”
“હવે ઈ તો સમય જ કહેશે. અને સમય ક્યાં એક જગ્યાએ ટકી રહે છે? રહ્યો માણસ!! તો માણસ તો કેટલું’ક યાદ રાખે? અને એમાં’ય એ.આઈ.નો જમાનો છે. ગુગલ ગુરુનો જમાનો છે. આજકાલ માણસો યાદ જ ક્યાં રાખે છે!?? જરાંક જરૂર પડી કે, પુછો ગુગલને. ” “તો..ઓ.. આવું હંધૂય ક્યાં સુધી હાલશે??”
“બીજું પુર નો આવે ત્યાં સુધી..!!!” kalubhaibhad123@gmail.com










































