ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ મથકની હદમાં આવેલા બુધેલગામ પાસે સ્ટેટ મોનીટરીંગ સેલના પી.આઈ. આર.કે. કરમટાની ટીમે રેઈડ પાડીને રૂ.૪.૩૦ કરોડની કિંમતનું ૦૪ કિલો ૩૦૬ ગ્રામ પ્રતિબંધિત એંબરગ્રીસ (સ્પર્મવ્હેલ માછલીની ઉલ્ટી) ઝડપી પાડ્યું હતું. પોલીસે અન્ય સામગ્રી સહિત કુલ રૂ.૪,૩૧,૬૦,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા ઇમરાન પરમાર, સાજીદખાન પઠાણ, ફૈજાન મધરા અને સબ્બીર સૈયદની અટકાયત કરી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી માટે વરતેજ પોલીસને સોંપાયા છે. પૂછપરછમાં બહાર આવ્યું કે ભાવનગરના અભિષેક રાઠોડ અને ભરત ભરવાડે આ જથ્થો વેચવા માટે કમિશનની શરતે આપ્યો હતો, જે બંને આરોપીઓને પકડવાના બાકી છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ-૧૯૭૨ મુજબ સ્પર્મવ્હેલ માછલીને સર્વોચ્ચ રક્ષણ મળેલ છે. આ એંબરગ્રીસનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાના અત્તર, ધૂપ, સુગંધિત તેલ અને દવાઓમાં થતો હોવાથી તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમત ઉપજે છે.







































