ગુજરાતના દરિયાકાંઠા સાથે સંકળાયેલા માછીમાર સમાજ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. માછીમારોની યાંત્રિક બોટોમાં વપરાતા ડીઝલ પર મળતી રાહત યોજનામાં વર્ષોથી અમલમાં રહેલી ૨૦ મીટરની લંબાઈની મર્યાદા હવે સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. આ નિર્ણયના પરિણામે રાજ્યભરના હજારો માછીમારોને મોટી રાહત મળવાની છે અને તેમના રોજિંદા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.અગાઉ ડીઝલ પર મળતી રાહતનો લાભ માત્ર ૨૦ મીટર સુધીની લંબાઈ ધરાવતી બોટોને જ મળતો હતો. જેના કારણે ઊંડા દરિયામાં માછીમારી કરવા જતી મોટી બોટોના માલિકો અને કામદારો આ લાભથી વંચિત રહેતા હતા. રાજ્ય સરકારના નવા નિર્ણય બાદ હવે મોટી બોટો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે. સરકાર દ્વારા પ્રતિ લિટર મહત્તમ ૧૫ રૂપિયા સુધીની રાહત આપવામાં આવશે, જેના કારણે માછીમારોના ઈંધણ ખર્ચમાં ઘટાડો થશે અને માછીમારીનો વ્યવસાય વધુ સક્ષમ બનશે.માછીમારી ઉદ્યોગ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની આર્થિક વ્યવસ્થાનો મહત્વનો આધારસ્તંભ છે. હજારો પરિવારોનો જીવનનિર્વાહ સીધો આ વ્યવસાય સાથે જોડાયેલો છે. ડીઝલના સતત વધતા ખર્ચને કારણે માછીમારોને છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે સરકારના આ નિર્ણયથી નાના, મધ્યમ તેમજ મોટા તમામ પ્રકારના માછીમારોને સમાન રીતે લાભ મળવાનો માર્ગ ખુલ્યો છે.
આ યોજના હેઠળ લાભ મેળવવા માટે બોટની નોંધણી કરાવવી તેમજ માન્ય માછીમારી પરવાનો ધરાવવો જરૂરી રહેશે. રાજ્યની ૧૮ હજારથી વધુ યાંત્રિક બોટોને આ નિર્ણયનો સીધો લાભ મળશે તેવી માહિતી સામે આવી છે. આ પગલાથી માછીમારોની આવકમાં વધારો થવાની સાથે તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.રાજ્ય સરકારના આ નિર્ણયને માછીમાર સમાજે આવકાર્યો છે. જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિયેશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી સહિતના આગેવાનોએ આ નિર્ણયને સાગરખેડૂતોના હિતમાં લેવાયેલો મહત્વપૂર્ણ નિર્ણય ગણાવી રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયથી માછીમાર સમાજને લાંબા ગાળે લાભ મળશે અને દરિયાઈ અર્થતંત્રને પણ નવી ગતિ મળશે.









































