ખાંભા તાલુકાની આંબલીયાળા પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરજ બજાવતા શિક્ષક અશ્વિનસિંહ ચૌહાણનો વિદાય સમારંભ યોજાયો હતો. તેમની વતનની શાળામાં બદલી થતાં શાળા પરિવાર, વાલીઓ અને ગ્રામજનોએ તેમને ભાવભીની વિદાય આપી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શાળાના વિકાસ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. તેમના યોગદાન બદલ તેમને ખાંભા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભમાં ભાવેશભાઈ જાદવ, મુકેશભાઈ ગોહિલ, અનિલભાઈ વ્યાસ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ તેમના કાર્યની પ્રશંસા કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.