અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હતા, જેના લીધે ખેડૂતો, પશુપાલકો, શાળાના બાળકો અને દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના આશરે ૩,૨૦૦ કિમીના માર્ગોમાંથી સાવરકુંડલા, ધારી, રાજુલા અને જાફરાબાદ પંથકમાં વધુ નુકસાન થયું હતું.
કાર્યપાલક ઇજનેર સ્મિત ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિભાગે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી કામ શરૂ કર્યું છે. નિરીક્ષણ દરમિયાન ૭૮ માર્ગો પર નાની-મોટી નુકસાની જોવા મળી હતી. આ મરામત માટે ૪૨ જેસીબી, ૧૮ ડમ્પર, ૧૦ ટ્રેક્ટર અને ૬૦થી વધુ શ્રમિકો કામે લાગ્યા છે. અત્યાર સુધીમાં સંપૂર્ણ બંધ થયેલા ૧૧ રસ્તાઓ ફરી ખુલ્લા કરાયા છે. તંત્ર આગામી ૪૮ કલાકમાં બાકીના રસ્તા પૂર્વવત કરવા પ્રયત્નશીલ છે.