અમરેલી જિલ્લામાં તાજેતરમાં પડેલા સાર્વત્રિક વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જિલ્લાના અલગ અલગ ગામોમાં વર્ષોથી કરવામાં આવેલા જળસંચયના કાર્યો હવે સાર્થક બન્યા છે. ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલા ચેકડેમો અને વિવિધ જળ સ્ટ્રક્ચરો વરસાદી પાણીથી સંપૂર્ણ ભરાઈ ગયા છે અને અનેક સ્થળોએ ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાઈ છે. વર્ષોથી પાણીની અછતનો સામનો કરતા ખેડૂતો અને ગ્રામજનો માટે આ દ્રશ્યો રાહત અને આનંદ લાવનારા બન્યા છે. ચેકડેમોમાં મોટી માત્રામાં પાણીનો સંગ્રહ થતા આસપાસના વિસ્તારોના કુવા અને બોરવેલના પાણીના તળમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે આગામી ઉનાળામાં પીવાના પાણીની મુશ્કેલી ઘણી હદ સુધી ઓછી થશે તેવી આશા સેવાઈ રહી છે. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થતા ખેતીમાં પણ સારો લાભ મળશે. કપાસ, મગફળી જેવા ખરીફ પાક ઉપરાંત ઘઉં, ચણા અને જીરાં જેવા રવિ પાકનું ઉત્પાદન પણ વધશે અને પાકની ગુણવત્તામાં સુધારો જોવા મળશે. પૂરતા પાણીના કારણે સુકારા જેવા રોગોથી પણ પાકને રાહત મળશે. પશુઓ માટે લીલા ઘાસચારાની ઉપલબ્ધતા વધતા પશુપાલકોને પણ મોટો ફાયદો થશે અને પશુપાલન વ્યવસાયને નવી ગતિ મળશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રક્ચરો તૈયાર કરવાના સંકલ્પ સાથે સૌરાષ્ટ્રમાં સતત કાર્ય કરી રહી છે. ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે જઈ તૂટેલા ચેકડેમોની મરામત, નવા ચેકડેમોનું નિર્માણ તેમજ ડેમના તળમાંથી ફળદ્રુપ માટી કાઢી ખેડૂતોના ખેતરોમાં પહોંચાડવા જેવા અનેક લોકહિતના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. લોકભાગીદારી, દાતાઓ અને ઉદ્યોગપતિઓના સહયોગથી હજારો જળસંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે જેના કારણે અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં વધારો થયો છે. ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રનું વરસાદી પાણી દરિયામાં વહી જતું અટકાવી તેનો સદુપયોગ કરવો એ સંસ્થાનો મુખ્ય હેતુ છે. અમરેલી જિલ્લામાં ખેડૂતો અને દાતાઓના સહયોગથી ઉભા કરાયેલા ચેકડેમો આજે ઓવરફ્લો થતા ખૂબ આનંદની લાગણી અનુભવાઈ રહી છે. પાણી જ ખેડૂતની સાચી મૂડી છે અને આ પાણીના કારણે કુવા બોર રિચાર્જ થશે તેમજ આગામી સમયમાં ખેડૂતો સારો પાક મેળવી આર્થિક રીતે વધુ સમૃધ્ધ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.






































