રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશિપમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં ટ્યુશન ક્લાસિસ ચલાવતી એક શિક્ષિકા દ્વારા સાડા ચાર વર્ષના માસૂમ બાળકને તાવીથાથી ડામ આપવામાં આવતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશિપમાં સાડા ચાર વર્ષના બાળકને ટયૂશન ક્લાસિસ સંચાલિકાએ તાવેતાથી ડામ આપ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ટ્યુશન ક્લાસિસ સંચાલિકા નિરાલી અશ્વિનભાઈ નામના શિક્ષિકા પાસે આ બાળક ટ્યુશનમાં જતો હતો. પરિવારજનોના આક્ષેપ મુજબ, બાળક ટ્યુશનમાં લખતો ન હોવાથી અથવા તોફાન કરતો હોવાના બહાને શિક્ષિકાએ તેને ક્રૂરતાપૂર્વક તાવીથાથી ડામ આપી દીધા હતા. આટલી નાની ઉંમરના બાળક પ્રત્યે આ પ્રકારની હિંસક વર્તણૂક કરવામાં આવતા બાળકના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે.
જ્યારે આ ઘટનાની જાણ બાળકના પરિવારને થઈ, ત્યારે તેઓ આઘાતમાં સરી પડ્યા હતા. બાળકના કાકાએ જ્યારે આ બાબતે શિક્ષિકાને ઠપકો આપ્યો, ત્યારે ઉલટાની શિક્ષિકા દ્વારા તેમને ધમકી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મામલે બાળકના કાકાએ ત્વરિત કાર્યવાહી કરતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.
આ મામલે વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે આકરા શબ્દોમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે, ૪ વર્ષના બાળકના અક્ષર સારા ન થાય કે તે તોફાન કરે તે સ્વાભાવિક છે, પરંતુ તેના માટે તેને આ રીતે ડામ આપવા તે અક્ષમ્ય અને અમાનવીય છે. બાળ આયોગે આ મામલે સત્વરે તપાસ કરવી જોઈએ. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ટ્યુશન ક્લાસિસના સરકારી નિયમોનું અહીં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ક્લાસિસની નોંધણી પોલીસ સ્ટેશનમાં કરાવવી ફરજિયાત હોવા છતાં તેનું પાલન કરવામાં આવ્યું નથી.
રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસ અંગે બનાવવામાં આવેલા નીતિ-નિયમોનું પણ કોઈ યોગ્ય પાલન થતું ન હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે. આ ઘટનાએ વાલીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને આરોપી શિક્ષિકા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.







































